સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
October 08, 2026
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં એક પછી એક શ્રેણીબદ્ધ પ્રચંડ ધડાકા થયા છે. આ ધડાકાઓ વચ્ચે રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટને નિશાન બનાવીને મોટો હુમલો કરવામાં આવ્યો છે. હુમલા બાદ સ્થિતિ વણસતાં ઍરપૉર્ટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. ફ્લાઇટ ટ્રેકિંગ સર્વિસ 'Flightradar24' મુજબ ઍરપૉર્ટ પરથી તમામ ફ્લાઇટ્સની અવરજવર અટકાવી દેવામાં આવી છે. 80 મિનિટથી વધુ સમયથી કોઈ વિમાન લેન્ડ થયું નથી અને 90 મિનિટથી કોઈ ફ્લાઇટે ટેક-ઑફ કર્યું નથી.
પશ્ચિમ એશિયામાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતીય એરલાઇન્સ કંપનીઓએ સાઉદી અરેબિયા માટે મોટો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસે 10 ઑક્ટોબર સુધી રિયાધ આવવા-જવાવાળી તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. એરલાઇન્સ કંપનીઓએ જણાવ્યું છે કે અસરગ્રસ્ત તમામ મુસાફરોને ફ્રી રી-શેડ્યુલિંગ અથવા ટિકિટ કેન્સલેશન પર 100% પૂરેપૂરું રિફંડ આપવામાં આવશે.
આ પહેલાં દિલ્હીથી રિયાધ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2243 ગુજરાત ઉપરથી પસાર થઈ દક્ષિણ તરફ અરબ સાગર ઉપર પહોંચ્યા બાદ સુરક્ષાના કારણોસર અધવચ્ચેથી પાછી દિલ્હી વાળી લેવામાં આવી હતી. બીજી તરફ હૈદરાબાદથી રિયાધ જતી ઇન્ડિગોની ફ્લાઇટને અધવચ્ચે સાઉદીના દમ્મામ ઍરપૉર્ટ પર ડાયવર્ટ કરીને ઉતારવામાં આવી હતી. આ ઘટના બાદ ઇન્ડિગોએ શુક્રવારે દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદથી રિયાધ જતી તમામ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી દીધી છે. રિયાધ ઍરપૉર્ટ પ્રશાસને પણ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ ઍરપૉર્ટ પહોંચતા પહેલા પોતાની ફ્લાઇટનું સ્ટેટસ સીધું એરલાઇન પાસેથી ચકાસી લે.
હુથી લડાકુઓએ સાઉદી એરસ્પેસમાં ઉડાન ભરતી તમામ એરલાઇન્સ કંપનીઓને આ તેમની 'આખરી ચેતવણી' હોવાનું જણાવી ઉડાનો બંધ કરવા ધમકી આપી છે. ગુરુવારે રિયાધમાં થયેલા આ હુમલા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો છે. બીજી તરફ સાઉદી ગઠબંધન સેનાના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-માલ્કીએ દાવો કર્યો છે કે સેનાએ હુથીઓ દ્વારા છોડવામાં આવેલી 2 બેલેસ્ટિક મિસાઇલો અને યમન સરહદ નજીક ખમીસ મુશેત તરફ છોડવામાં આવેલી વધુ 1 બેલેસ્ટિક મિસાઇલને હવામાં જ તોડી પાડી નષ્ટ કરી દીધી છે.
હુમલાના પગલે ઍરપૉર્ટ પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટીતંત્રે બહાર જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી મુસાફરોને પોતાનો ચેક-ઇન સામાન ત્યાં જ છોડીને તરત બહાર નીકળી જવાનો આદેશ આપ્યો હતો. એનાઉન્સમેન્ટ થતાં જ મુસાફરો પોતાનો કિંમતી સામાન પડતો મૂકી જીવ બચાવવા બહાર દોડ્યા હતા.
યમનના હુથી લડાકુઓએ સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. હુથી પ્રવક્તા યાહ્યા સારીએ પુષ્ટિ કરી કે તેમણે રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર 2 બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. તેમણે એરલાઇન કંપનીઓને ચેતવણી આપી છે કે મક્કા અને મદીના સિવાય સમગ્ર સાઉદી એરસ્પેસ પર ફ્લાઇટ્સ ન ઉડાડે, કારણ કે તેઓ આ ક્ષેત્રમાં સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે.
સાઉદી અરેબિયા પર સતત થઈ રહેલા આ મિસાઇલ હુમલાઓએ મોટી ચિંતા વધારી છે. આ પહેલા થયેલા હુમલામાં કિંગ ખાલિદ ઍરપૉર્ટ પર સુદાનના એક નાગરિકનું મોત થયું હતું અને 8 લોકો ઘાયલ થયા હતા. જ્યારે આભા ઍરપૉર્ટ પર કરાયેલા હુમલામાં મોરોક્કો અને અલ્જીરિયાના નાગરિકો સહિત કુલ 3 લોકોના મોત અને 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
હુથીઓના પ્રવક્તાએ જણાવ્યું કે, 3 ઓક્ટોબર પછી તેમણે સાઉદી અરેબિયામાં લગભગ 14 સૈન્ય અભિયાન હાથ ધર્યા છે. બીજી તરફ સાઉદીના નેતૃત્વવાળા ગઠબંધને પણ વળતો પ્રહાર કરીને યમનમાં હુમલા કરવા માટે વપરાતા મિસાઇલ પ્લેટફોર્મને નષ્ટ કર્યું હતું અને છેલ્લા 24 કલાકમાં સાઉદી સેનાએ યમનના વિવિધ વિસ્તારોમાં 156 જેટલા હવાઈ હુમલા કર્યા છે. આ દરમિયાન યમનના હોદેઈદાહ ઍરપૉર્ટ નજીક પણ જોરદાર ધડાકા સંભળાયા છે.
Related Articles
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સંસદ ઘેરવા દોડી ભીડ, મેલોની સરકારની ચિંતા વધી
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સં...
Oct 31, 2026
'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્મગુરુએ હિન્દુઓની મજાક ઉડાવતા ભારે વિવાદ
'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્...
Oct 31, 2026
જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એલર્ટ: નાગરિકોને 7 દિવસનું રાશન-પાણી સંગ્રહવા સરકારનો આદેશ
જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એ...
Oct 28, 2026
હુમલા રોકવા રૂ.9,500 કરોડની ઓફર? સાઉદી-ઈરાન વચ્ચેની સિક્રેટ ડીલથી મિડલ ઈસ્ટમાં ખળભળાટ
હુમલા રોકવા રૂ.9,500 કરોડની ઓફર? સાઉદી-ઈ...
Oct 27, 2026
રિયાદનું કિંગ ખાલિદ હવાઈ મથક 15 દિવસે ફરી ખૂલ્યું, હુતી વિદ્રોહીઓએ ફરી હુમલાની ચેતવણી આપી
રિયાદનું કિંગ ખાલિદ હવાઈ મથક 15 દિવસે ફર...
Oct 27, 2026
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની ધમકી
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું....
Oct 25, 2026
Trending NEWS
28 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026