વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો

October 09, 2026

દિલ્હી ઃ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે છેલ્લા 3 દિવસથી પ્રદર્શન કરી રહેલા વિપક્ષી નેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુલાકાત માટે સમય આપ્યો હતો. સંસદના સેન્ટ્રલ હોલમાં INDIA બ્લોકની બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી અને મમતા બેનર્જી સહિત 10 અગ્રણી નેતાઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને તેમની મુલાકાત પૂર્ણ થઈ છે. બીજી તરફ, વિજય ચોક ખાતે બાકીના વિપક્ષી સાંસદો વોટ ચોરીના આક્ષેપો સાથે ધરણાં પર બેસી ગયા હતા અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.
સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી વિપક્ષી સાંસદોએ માર્ચ યોજ્યો હતો, જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના અગ્રણી નેતાઓ જોડાયા હતા. સુરક્ષાને ધ્યાને રાખીને રાયસીના હિલ્સ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વિપક્ષનું 10 સભ્યોનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને આવેદનપત્ર સોંપવા પહોંચ્યું હતું, જ્યારે અન્ય સાંસદો 'જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો'ના બેનરો સાથે વિજય ચોક પર ધરણાં પર બેઠા હતા.


રાષ્ટ્રપતિને મળવા ગયેલાં પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, TMCમાંથી મમતા બેનર્જી, નેશનલ કોન્ફરન્સમાંથી ઓમર અબ્દુલ્લા, CPMમાંથી એમ. એ. બેબી, CPIમાંથી ડી. રાજા, NCP (SP)માંથી સુપ્રિયા સુલે, VCKમાંથી થોલ. થિરુમાવલવન, RJDમાંથી મનોજ ઝા અને સમાજવાદી પાર્ટીમાંથી રાજીવ રાય સામેલ હતા. મીડિયા સાથેની વાતચીતમાં મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું કે, અમે તમામ નેતાઓએ રાષ્ટ્રપતિ સામે આપણી વાત મૂકી છે અને વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે. અમે ફરીથી ચૂંટણી કરાવવાની અને EVM હટાવીને બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગ કરી છે. રાષ્ટ્રપતિએ આપણી પાસે આ અંગેના પુરાવા માગ્યા છે.