'જે પણ જવાબદાર છે એને છોડીશું નહીં...' દિલ્હી બ્લાસ્ટ મામલે ભુતાનથી પીએમ મોદી

November 11, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનના પ્રવાસ દરમિયાન દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવાર પ્રત્યે સંવેદનાઓ પાઠવી છે. 

પીએમ મોદીએ ભુતાનમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું. આજે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે. ગઇકાલે હું રાતે દરેક તપાસ એજન્સી અને મહત્ત્વપૂર્ણ અધિકારીઓના સંપર્કમાં હતો. વિચાર વિમર્શ ચાલી રહ્યા હતા. તમામ ઘટનાઓના લિંક જોડી રહ્યા હતા. અમારી તપાસ એજન્સીઓ આ કાવતરાના ઊંડાણ સુધી જશે અને આ કાવતરાં પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે.'

પીએમ મોદીએ કહ્યું કે, 'આ દુર્ઘટનામાં જે પરિવારોએ પોતાના પ્રિયજન ગુમાવ્યા છે, તે બધાના દુઃખમાં સમગ્ર દેશ સહભાગી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી અને ઘાયલ વ્યક્તિઓ જલદી સાજા થાય તેવી કામના વ્યક્ત કરી.

આ સાથે જ, સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓને પૂરી સૂચના આપવામાં આવી છે કે તેઓ નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચે અને દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરે.