નવસારીમાં SMCની ટીમ પર ગોળીબાર, હોટલમાં રેડ દરમિયાન ઘર્ષણ; ચારની ધરપકડ, એકને પગમાં ગોળી વાગી

November 11, 2025

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં મંગળવારની વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને કુખ્યાત શાર્પશૂટર ગેંગના ઈસમો વચ્ચે ઘર્ષણ થયું હતું. હથિયારોની ડિલિવરી કરવા આવેલા ઈસમોને ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર ગેંગે ગોળીબાર કરતાં પોલીસે પણ સ્વ-બચાવમાં વળતો ફાયરિંગ કર્યો હતો. મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, શાર્પશૂટર ગેંગના સભ્યો હથિયારોની આપ-લે કરવા માટે બીલીમોરાની એક હોટેલમાં રોકાયા છે. SMCની ટીમ અને અન્ય એજન્સીઓ આ ઈસમોને ઝડપવા માટે હોટલ પર પહોંચી હતી. પોલીસે ઘેરાબંધી કરતા જ ગેંગના ઈસમોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જોકે, પોલીસે પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્વ-બચાવ માટે વળતો ફાયરિંગ કર્યો હતો. પોલીસ દ્વારા કરાયેલા ફાયરિંગમાં હથિયારો આપવા આવેલા પાંચ ઈસમો પૈકીના એક શખસને પગના ભાગે ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય ચાર આરોપીઓને પોલીસ ટીમે ઘટનાસ્થળેથી જ ઝડપી પાડ્યા હતા. આરોપીની ઓળખ હરિયાણાનો યશ સિંહ, મધ્ય પ્રદેશનો રિષભ શર્મા, રાજસ્થાનનો મનિષ અને મદાન કુંવાત તરીકે થઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લાની અન્ય પોલીસ એજન્સીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તારણ મુજબ, ઝડપાયેલા આ ઈસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા છે. બાબરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓ જણાવ્યું કે, ઝડપાયેલા ઈસમો પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પરિસ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને હાલમાં સત્તાવાર ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. FIR નોંધાયા બાદ આરોપીઓ અને એન્કાઉન્ટર તરફ દોરી ગયેલા સંજોગો અંગેની વિગતવાર માહિતી શેર કરવામાં આવશે.