અમરેલીમાં હુમલાખોરોનો યુવક પર જીવલેણ હુમલો, બંને પગ કાપી નાખ્યા

November 12, 2025

અમરેલી જિલ્લાના અરજણસુખ ગામેથી એક અત્યંત ક્રૂર અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવક પર તેના જ કુટુંબીજનો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તમામ હદ પાર કરતા યુવક પર કુહાડી વડે હુમલો કરી તેના બંને પગ શરીરથી અલગ કરી દીધા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલનો રહેવાસી દીનેશ સોલંકી નામનો યુવક અરજણસુખ ગામે ભીખા રાઠોડના ઘરે કોઈ કામ અર્થે આવ્યો હતો. આ દરમિયાન તેના પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સાપર સુડાવડ ગામના બે સાળાઓ સહિત કુલ 12 જેટલા શખ્સો સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

હુમલાખોરોએ દીનેશ સોલંકી પર કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેના બંને પગ શરીરથી કપાઈને અલગ થઈ ગયા હતા. પીડિત યુવકને ગંભીર અને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની ક્રૂરતા એટલી હદે હતી કે, યુવકના શરીરથી અલગ થયેલા બંને પગને કોથળામાં ભરીને હોસ્પિટલ સુધી લાવવામાં આવ્યા હતા.