ગુજરાતમાં પરપ્રાંતીયો ડબલિયા મતદારની ભૂમિકા ભજવતા હોવાની શંકા, હાલમાં બિહાર પહોંચ્યા

November 12, 2025

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યુ છે. સમગ્ર પ્રક્રિયા પર ગાંધીનગરથી નજર રાખવામાં આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ સમક્ષ એવી રજૂઆત કરાઈ છેકે, ગુજરાતમાં પરપ્રાંતિયો શંકાના ઘેરામાં છે. જેઓ રાજકીય પક્ષોના આર્શિવાદથી વતન ઉપરાંત ગુજરાતમાં પણ મતદાન કરતાં હોવાની સંભાવના છે. રાજકીય પક્ષોના ખર્ચે જ હજારો પરપ્રાંતિયો મતદાન માટે બિહાર પહોંચ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે.

બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા સહિત અન્ય રાજ્યના હજારો પરપ્રાંતિયો રોજી મેળવવા માટે ગુજરાત આવે છે. ગુજરાત રાજ્યની ઔદ્યોગિક વસાહત જેમ કે, સુરત, અંકલેશ્વર, ભરુચ, કચ્છના કંડલા, વડોદરા, જામનગર સહિત અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિત કોટ વિસ્તારોમાં પરપ્રાંતિયોની ભરમાર રહી છે.

આ પરપ્રાંતિય કામદારો- મજૂરો ભાડુઆત તરીકે રહેતા હોવા છતાંય સ્થાયી હોવાનો દાવો કરીને ગુજરાતમાં પણ મતદાર યાદીમાં નામ સામેલ કરી લે છે. આ કારણોસર પરપ્રાંતિયો પોતાના વતનની સાથે સાથે ગુજરાતમાં પણ મતદાર તરીકે મતદાન કરતાં હોવાની સંભાવના છે.