મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ, 8 લોકોના દાઝી જતા મોત

November 13, 2025

મહારાષ્ટ્રના પુણેના નવલે બ્રિજ પર ગુરુવારે (13 નવેમ્બર) એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના સતારા-મુંબઈ લેન પર સેલ્ફી પોઈન્ટ પાસે થઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બે મોટા કન્ટેનર ટ્રક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા અને તેમની વચ્ચે એક કાર ફસાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહોતા. ટક્કર બાદ બંને ટ્રકોમાં તુરંત આગ લાગી ગઈ, જેના કારણે આખી કાર પણ બળીને રાખ થઈ ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ફસાયેલા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ બચાવ અભિયાન શરૂ કરાયું છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પુણે પોલીસે જણાવ્યું કે, આ અકસ્માતમાં આશરે આઠ જેટલા વાહનો અથડાયા છે.

ઘટનાને નજરે જોનારાઓએ અકસ્માતને ભયાનક ગણાવ્યો છે. ટક્કરના કારણે વાહનોના ફુરચા ઉડી ગયા હતા અને બ્રિજ પર લગભગ ચાર જગ્યાએ વાહનો એકબીજાને અથડાયા હતા.  પોલીસે જણાવ્યું કે, અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે. જોકે, પ્રાથમિક તપાસમાં સંકેત મળ્યો છે કે, એક ટ્રકના બ્રેક ફેઈલ થવાને કારણે આ ભયાનક દુર્ઘટના થઈ હોઈ શકે છે.