'હું ધારું તો બેઈજ્જતી કરી શકું પણ...', છૂટાછેડા બાદ પણ ચહલનું સન્માન કરતી હોવાનો ધનશ્રીનો દાવો

September 09, 2025

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા લીધા બાદ કોરિયોગ્રાફર અને ડાન્સર ધનશ્રી વર્મા સતત ચર્ચાઓમાં છે. ચહલ સાથે છૂટાછેડા બાદ તેના પર અનેક આક્ષેપો થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેને 'ગોલ્ડ ડિગર' કહી ટ્રોલ કરવામાં આવી હતી. ધનશ્રી આ તમામ આક્ષેપો અને વિવાદો વચ્ચે રિયાલ્ટી શો રાઈઝ એન્ડ ફૉલમાં જોવા મળી છે. શો દરમિયાન તેણે પોતાના લગ્ન જીવન અને છૂટાછેડા વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેણે કહ્યું કે, જો હું ઈચ્છું તો ચહલને બેઈજ્જત કરી શકતી હતી, પરંતુ મેં હંમેશા તેનુ સન્માન કર્યું છે.  ધનશ્રીએ શોના એક ટાસ્ક દરમિયાન ચહલ અને ટ્રોલર્સ પર નિશાન સાધતા જવાબ આપ્યો હતો કે, જ્યારે તમે લગ્ન કર્યા હોય તો તમારા પાર્ટનરનું સ્વમાન જાળવવાની જવાબદારી તમારી હોય છે. જો હું ઈચ્છું તો તેને બેઈજ્જત કરી શકતી હતી. એવું ન સમજો કે, મારી પાસે કહેવા માટે કંઈ જ નથી. પરંતુ તે મારા પતિ હતા. અને મેં લગ્નજીવન દરમિયાન તેનુ સન્માન કર્યું છે, અને આજે પણ કરુ છું. આટલું જ નહીં, ધનશ્રી વધુ પ્રોમોમાં ટ્રોલર્સને અલગ અંદાજમાં જવાબ આપતી જોવા મળી હતી. ધનશ્રી અને ક્રિકેટર ચહલે 2020માં લગ્ન કર્યા હતા. તે સમયે બંને ખૂબ વચ્ચે ખૂબ પ્રેમ જોવા મળ્યો હતો. બંને મસ્તી-મજાક કરતી રીલ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ ફેબ્રુઆરી, 2025માં બંનેએ છૂટાછેડા લીધા હતા.