ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન

September 09, 2025

ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ દેશનું બીજું સૌથી મોટું બંધારણીય પદ છે. આજે 9 સપ્ટેમ્બરના રોજ દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે. 21 જુલાઈના રોજ જગદીપ ધનખડના અચાનક રાજીનાના કારણે આ જગ્યા ખાલી પડી ગઈ હતી. જેમાં એનડીએ દ્વારા સી.પી. રાધાકૃષ્ણનને અને વિપક્ષના 'ઈન્ડિયા' ગઠબંધન દ્વારા બી. સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવાયા છે. ચાલો, આ ચૂંટણી જીતતા જ ભારતના નવા ઉપરાષ્ટ્રપતિને મળતી શાનદાર સુવિધાઓ અને પગાર વિશે જાણીએ. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજ બજાવવા બદલ ભારતના ઉપરાષ્ટ્રપતિને દર મહિને ₹4 લાખનો પગાર મળે છે. જોકે, આ પદ માટે તેમને કોઈ નિયમિત પગાર મળતો નથી. પગાર ઉપરાંત, તેમને મોંઘવારી ભથ્થું પણ મળે છે, જે સમયાંતરે વધતું રહે છે અને સાથે અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ બનતાં જ તેમને અનેક સુવિધાઓ મળવા લાગે છે. જેમાં દિલ્હીમાં સત્તાવાર સરકારી આવાસ, આરોગ્ય સુવિધાઓ, ટ્રેન અને હવાઈ મુસાફરી, લેન્ડલાઈન અને મોબાઈલ ફોન સેવા, અંગત સુરક્ષા અને પૂરતો સ્ટાફ સામેલ છે. તેમના માટે વૈભવી કારનો કાફલો પણ ઉપલબ્ધ રહે છે. આ સિવાય, તેમના બાળકોને સરકારી શાળાઓ અને કોલેજોમાં ફી માફી સહિતના શૈક્ષણિક લાભ મળે છે અને વિદેશ પ્રવાસ દરમિયાન ડિપ્લોમેટિક પાસપોર્ટ, હોટલ બુકિંગ અને પ્રોટોકોલની સુવિધા પણ મળે છે. પદ છોડ્યા પછી પણ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિને સરકાર તરફથી ઘણી સુવિધાઓ આપવામાં આવે છે, જેમાં આજીવન પેન્શન મળે છે, જે વર્તમાન પગારના 50% હોય છે. આ ઉપરાંત, ટાઇપ-8 બંગલો, અંગત સચિવ, સહાયક, સુરક્ષા, ડૉક્ટર અને અન્ય સ્ટાફ સાથે ઘણી અન્ય સુવિધાઓ પણ ચાલુ રહે છે. જ્યારે તેમના અવસાન બાદ પત્નીને ટાઇપ-7 બંગલો અને કેટલીક સુવિધાઓ મળે છે.