વડાપ્રધાન મોદીએ હુમલાની કરી નિંદા, કહ્યું 'ભારત તમામ પ્રકારના આતંકવાદની વિરૂદ્ધ'

September 09, 2025

જેરુસલેમના રામોટ જંકશન પર થયેલી ગોળીબારની ઘટનાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિંદા કરી છે. પીએમ મોદીએ ટ્વીટર પર લખ્યું, "આજે જેરુસલેમમાં નિર્દોષ નાગરિકો પર થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. અમે પીડિતોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી છે."

વડાપ્રધાને વધુમાં કહ્યું, "ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરે છે અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિમાં અડગ રહે છે." જેરુસલેમમાં થયેલા આ હુમલામાં 6 લોકો માર્યા ગયા હતા અને 12 અન્ય ઘાયલ થયા હતા, જેમાંથી 6 લોકોની હાલત ગંભીર છે. અહેવાલો અનુસાર, હુમલો કરનારા શંકાસ્પદ લોકોપશ્ચિમ કાંઠાથી આવ્યા હતા. તેઓ સવારે 10 વાગ્યા પછી એક કારમાં જંકશન પર પહોંચ્યા અને બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા લોકો અને ત્યાં ઉભી રહેલી બસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે હાજર એક સૈનિક અને અનેક નાગરિકોએ આતંકવાદીઓ પર ગોળીબાર કર્યો અને તેમને ઠાર માર્યા. ભારત હંમેશા આતંકવાદનો વિરોધ કરતું આવ્યું છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરતું આવ્યું છે. SCO સમિટ દરમિયાન પણ ભારતે સંગઠનના સભ્ય દેશોને આતંકવાદ સામે સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે.

ઈઝરાયલની રાજધાની જેરુસલેમમાં ફાયરિંગ કરનાર હુમલાખોરોને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ હુમલાખોર પશ્ચિમી કિનારાના ફિલિસ્તાની છે. પોલીસે તેમની ઓળખ કરી લીધી છે અને આગામી તપાસ હાથ ધરી છે. બીજી તરફ ફાયરિંગની ઘટના બાદ પીએમ નેતન્યાહૂએ તાત્કાલિક બેઠક બોલાવી છે અને કડક બંદોબસ્ત ગોઠવવા માટે આદેશ આપ્યા છે. હમાસે હુમલાની જવાબદારી સ્વીકારતા આ ઘટનાની પ્રશંસા કરી છે અને તેને વીરતાપૂર્વકનું અભિયાન ગણાવ્યું છે.