'બ્રિક્સ દેશો તો લોહી ચૂસતાં વેમ્પાયર...', ટ્રમ્પના ખાસ નવારોએ હવે હદ વટાવી

September 09, 2025

પોતાને વિશ્વનો શાસક માનતા અમેરિકાની તાનાશાહી સામે આજે કોઈ પણ દેશ ઝૂકવા તૈયાર નથી. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સલાહકારોના નિવેદનોથી સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી રહી છે. ભારત પર 50% ટેરિફ લગાવ્યા બાદ, ટ્રમ્પના વેપારી સલાહકાર પીટર નવારો સતત ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે, જેના કારણે તેમનો વિરોધ થઈ રહ્યો છે.  અમેરિકાના વ્હાઇટ હાઉસ ટ્રેડ એડવાઇઝર પીટર નવારોએ સોશિયલ મીડિયા પર રશિયા અને ભારતના સંબંધોને લઈને એક વિવાદિત પોસ્ટ કરી હતી, જેના કારણે તેમને ઈલોન મસ્ક સાથે ઝઘડો થયો હતો. આ પછી, તેમનું ધ્યાન BRICS સંગઠન પર કેન્દ્રિત થયું છે. તેનું સ્પષ્ટ કારણ એ છે કે અમેરિકાએ આ સંગઠનના સભ્ય દેશો સામે ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે, પરંતુ તેમાંથી કોઈ પણ અમેરિકાની દાદાગીરી સામે ઝૂકવા તૈયાર નથી. પીટર નવારોએ BRICS દેશોને અમેરિકાનું 'લોહી ચૂસતા વેમ્પાયર' કહીને તેમની ટીકા કરી. તેમણે કહ્યું કે, 'આ દેશોનું અસ્તિત્વ અમેરિકન બજારો પર નિર્ભર છે અને જો તેઓ અહીં વેચાણ ન કરી શકે તો તેમનું અસ્તિત્વ જોખમમાં આવી જશે.' નવારોએ BRICSની એકતા પર સવાલ ઉઠાવતા કહ્યું, 'ઇતિહાસમાં એકબીજાને નફરત કરનારા આ દેશો સાથે કેવી રીતે રહી શકે છે?' આ જ વાતચીત દરમિયાન નવારોએ ભારતની ઊંચી ટેરિફ નીતિની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે, 'ભારત મહારાજા ટેરિફ એટલે કે દુનિયાનો સૌથી ઊંચો આયાત શુલ્ક લગાવે છે અને રશિયા અને ચીન સાથે મળીને અમેરિકન હિતોને નુકસાન પહોંચાડે છે.' તેમણે ફરી એકવાર ચેતવણી આપી કે જો ભારત અમેરિકા સાથે તાલમેલ નહીં રાખે તો રશિયા અને ચીન સાથેનું ગઠબંધન તેને નુકસાન પહોંચાડી શકે છે. નવારોએ સ્પષ્ટ કહ્યું કે, 'આ ભારત માટે સારું નહીં હોય. તો શું ખરેખર નવારોને ભારતની આટલી ચિંતા છે?'