નેપાળમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ, PM ઓલી દુબઈ ભાગે તેવી અટકળો, નવ મંત્રીના રાજીનામાં

September 09, 2025

નેપાળના કાઠમંડુમાં ગઈકાલે શરૂ થયેલું Gen Z આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગઈકાલે  20 આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે મોટી સંખ્યામાં યુવાનોએ નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસ સ્થાનને આગ ચાંપી હતી. નવ મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે. આંદોલનકારીઓના ઉગ્ર આંદોલનને પગલે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી દુબઈ પલાયન કરવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલ છે. જે બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારને તોડી પાડવા અપનાવવામાં આવેલો હથકડો નેપાળમાં પણ અપનાવવામાં આવ્યો હોવાનો સંકેત આપે છે. 

નેપાળમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં આંદોલનકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપનારા અને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા માહિતી સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરૂંગના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી હતી. ઘટના બાદ પોલીસ તુરંત ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ બૂઝાવવાનો અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. આ આંદોલન સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલના ઘરે પણ આગ ચાંપી હતી. જ્યારે પૂર્વ ડેપ્યુટી પીએમ રઘુવીર મહાસેઠના જનકપુર સ્થિત ઘર પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો હતો.