ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને લખ્યો પત્ર

January 17, 2026

ભારત અને અમેરિકા વચ્ચે બહુપ્રતિક્ષિત ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાની વાતચીત અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થવાની શક્યતા છે. આ મહત્વપૂર્ણ સમયગાળા વચ્ચે, અમેરિકન સેનેટરોના એક જૂથે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને ભારત દ્વારા આયાતી દાળ પર લગાવવામાં આવેલા 30% ટેરિફને હટાવવા માટે દબાણ લાવવાની માંગ કરી છે.

અમેરિકન સેનેટરોએ પ્રમુખ ટ્રમ્પને લખેલા પત્રમાં સ્પષ્ટપણે માંગ કરી છે કે ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટમાં 'કઠોળના પાક માટે અનુકૂળ જોગવાઈઓ' સામેલ કરવામાં આવે. તેમની મુખ્ય માંગ એ સુનિશ્ચિત કરવાની છે કે ભારતને અમેરિકન ખેડૂતો દ્વારા વેચવામાં આવતા પીળા વટાણા (દાળ) પરનો 30% ટેક્સ સંપૂર્ણપણે દૂર કરે.

આ મુદ્દો અમેરિકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે નોર્થ ડકોટા અને મોન્ટાના જેવા રાજ્યો વટાણા સહિત કઠોળના પાકના ટોચના બે ઉત્પાદકો છે. બીજી તરફ, ભારત આ પાકનો વિશ્વનો સૌથી મોટો ઉપભોક્તા છે, જે વિશ્વના કુલ વપરાશનો લગભગ 27% હિસ્સો ધરાવે છે. સેનેટરોનું માનવું છે કે જો વેપારની તકો મળે તો અમેરિકન ખેડૂતો ભારતની આ માંગને પહોંચી વળવા અને વિશ્વને અનાજ પૂરું પાડવા માટે સક્ષમ છે.

પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતે 30 ઓક્ટોબર, 2025ના રોજ પીળા વટાણા પર 30% ટેરિફ લગાવ્યો હતો, જે 1 નવેમ્બર, 2025થી લાગુ થયો છે. આ ઊંચા ટેરિફને કારણે, અમેરિકન કઠોળ ઉત્પાદકોને ભારતમાં તેમના ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનોની નિકાસ કરતી વખતે સ્પર્ધામાં નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.