નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ, યુવાનો સંસદમાં ઘૂસ્યા, ફાયરિંગમાં એકનું મોત, 80 ઈજાગ્રસ્ત

September 08, 2025

નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો વિરોધ કરતાં મોટાપાયે Gen-Z  દેખાવો થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં Gen-Z યુવાનો અને યુવતીઓ રસ્તા પર ઉતર્યા છે. તેઓ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પાછો ખેંચવાની માગ સાથે સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. આંદોલનકારીઓનું આ આંદોલન ઉગ્ર ન બને તે હેતુ સાથે વહીવટીતંત્રે વિસ્તારમાં કરફ્યુનો આદેશ આપ્યો હતો પરંતુ સ્થિતિ વણસતાં યુવાનો સંસદમાં ઘૂસ્યા જેના પગલે સુરક્ષાદળોએ તેમને રોકવાના પ્રયાસ રૂપે ફાયરિંગ કર્યું તો મામલો બીચક્યો. જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું જ્યારે અન્ય 80થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.  નેપાળની ઓલી સરકારે ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, અને X સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધા બાદ મોટાપાયે આંદોલનકારીઓ Gen-Z આંદોલન સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. કાઠમંડુના વિવિધ શહેરોમાં વડાપ્રધાન કેપી શર્મા ઓલી સરકાર વિરૂદ્ધ Gen-Z રિવોલ્યૂશન શરૂ થયુ છે. મૈતીઘર, કાઠમંડુ, અને અન્ય ટોચના શહેરોમાંથી હજારોની સંખ્યામાં યુવાનો ભ્રષ્ટાચાર અને સરકારના સોશિયલ મીડિયા પર અંકુશનો વિરોધ કરતાં રેલી યોજી રહ્યા છે. તેઓએ સરકાર પર નાગરિકોની આઝાદી છીનવી લેવાનો આરોપ મૂકતાં સુત્રોચ્ચાર કર્યા છે. આંદોલનકારીઓ મોટી સંખ્યામાં સુત્રોચ્ચાર કરતાં સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે કલાકો સુધી ફોન અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી હતી. ઉલ્લેખનીય છે, વડાપ્રધાન ઓલી સરકારે ચાર સપ્ટેમ્બરથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યૂબ, રેડિટ, X સહિત 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. જેનો Gen-Z દ્વારા મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે.