ટ્રમ્પ નિષ્ફળ ગયા, નોકરીઓ ગઈ, અર્થતંત્ર ધીમું પડ્યું - રિપોર્ટ

September 06, 2025

ટ્રમ્પના કારણે અમેરિકાની અધોગતિ, બેરોજગારી-મોંઘવારી વધી, વીજળીની કિંમતો આસમાને
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફરી સત્તામાં આવ્યાના માત્ર સાત મહિનામાં જ અમેરિકનો ભયાનક સંકટનો સામનો કરી રહ્યા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. અહીં ટ્રમ્પની સત્તામાં એન્ટ્રી થતા અને ટેરિફના કારણે અમેરિકનો માઠી દશાનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પ નીતિઓના કારણે ‘જોબ માર્કેટ’ કડડભૂસ થઈ ગયું છે. એટલું જ નહીં, બેરોજગારી, મોંઘવારી અને વીજળી સહિતની કિંમતો આસામાને પહોંચી ગઈ છે.
ટ્રમ્પ નીતિના કારણે અમેરિકામાં નવી નોકરીઓનું સર્જન લગભગ અટકી ગયું છે અને મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. શુક્રવારે જાહેર થયેલા ઓગસ્ટ મહિનાના જોબ્સ રિપોર્ટ મુજબ, માત્ર 22000 નવી નોકરીઓનું સર્જન થયું, જે અપેક્ષા કરતાં ખૂબ ઓછું છે. આ ઉપરાંત બેરોજગારીનો દર છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ 4.3 ટકા પર પહોંચ્યો છે. આ ડેટા ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ લાદવાની નીતિ અપનાવ્યા બાદ સામે આવ્યા છે.
રિપોર્ટ મુજબ, ડિસેમ્બર 2020 બાદ પહેલીવાર એવું થયું છે કે, જૂન મહિનામાં અમેરિકામાંથી 13000 નોકરીઓ ઘટી ગઈ છે. ફેક્ટરીઓ અને બાંધકામ ક્ષેત્રમાં નોકરીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એપ્રિલમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ટેરિફ પોલિસીના કારણે નોકરીઓ અને ફેક્ટરીઓમાં વધારો થશે, જોકે ત્યારથી મેન્યુફેક્ચરિંગમાં 42000 અને બાંધકામ સેક્ટરમાં 8000 નોકરીઓ જતી રહી છે. 2024માં ટ્રમ્પે અર્થતંત્રને ઊંચાઈ પર લઈ જવાનું પણ વચન આપ્યું હતું, જોકે અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે.