રશિયાએ ફરી યુક્રેન પર કરી દીધો મોટો હુમલો, 500 ડ્રોન અને મિસાઈલો ઝીંકી

September 03, 2025

રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલું યુદ્ધ સાડા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. જે બંધ થવાના કોઈ સંકેત મળી રહ્યા નથી. આ યુદ્ધમાં દરરોજ જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે. યુક્રેનમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે અને ઘણા શહેરો નાશ પામ્યા છે. આ યુદ્ધમાં ઘણા રશિયન સૈનિકો પણ માર્યા ગયા છે. આટલા બધુ નુકસાન થયુ હોવા છતાં યુક્રેન પર રશિયાના હુમલા ચાલુ છે. ગઈકાલે રાત્રે રશિયાએ ફરી એકવાર યુક્રેન પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો હતો.

રશિયાએ ફરી એકવાર યુક્રેન પર ભયાવહ હુમલો કર્યો હતો. મોડી રાત્રે 526 ડ્રોન-મિસાઈલ છોડી હતી. જેમાં 502 ડ્રોન અને 24 મિસાઇલ સમાવિષ્ટ છે. યુક્રેનિયન વાયુસેનાએ આ રશિયન હુમલાની માહિતી આપી હતી. આ હુમલામાં મુખ્યત્વે યુક્રેનનો પશ્ચિમ ભાગ નિશાન બનાવવામાં આવ્યો હતો. યુક્રેનના વાયુસેનાએ જણાવ્યા પ્રમાણે, રશિયા દ્વારા છોડવામાં આવેલા 69 ડ્રોન અને 3 મિસાઈલે યુક્રેનના 14 જુદા-જુદા સ્થળોને ટાર્ગેટ બનાવ્યા હતા.

તેનો કાટમાળ અનેક વિસ્તારોમાં પથરાયો હતો. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  આ હુમલામાં અનેક ઘર, ઈમારતો, અને જાહેર સંપત્તિને નુકસાન થયુ છે.

તાજેતરના દિવસોમાં બંને બાજુથી હવાઈ હુમલાઓ તીવ્ર બન્યા છે. રશિયા યુક્રેનની વીજ અને પરિવહન પ્રણાલીઓને નિશાન બનાવી રહ્યું છે. બીજી તરફ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શક્ય તેટલી વહેલી તકે યુદ્ધનો અંત લાવવા માંગે છે. ઓગસ્ટમાં, ટ્રમ્પે રશિયન અને યુક્રેનિયન પ્રમુખ સાથે બેઠક કરી હતી. ઝેલેન્સકીએ ટ્રમ્પ દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યુદ્ધવિરામ અને સામ-સામે શાંતિ વાટાઘાટોની ઓફર સ્વીકારી છે, પરંતુ રશિયાએ તેનો વાંધો ઉઠાવ્યો છે.

હાલમાં જ ચીનમાં યોજાયેલા શાંઘાઈ સહયોગ સંગઠન સંમેલનમાં પુતિન ચીનમાં ચીનના નેતા શી જિનપિંગ, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વોશિંગ્ટનનો દાવો છે કે આ દેશો રશિયાના યુદ્ધ પ્રયાસોને ટેકો આપી રહ્યા છે. ચીન અને ભારતે રશિયન ક્રૂડ ખરીદ્યું છે, જે પરોક્ષ રીતે રશિયાના યુદ્ધ અર્થતંત્રને મદદ કરી રહ્યું છે. બીજી બાજુ યુક્રેન પર સતત હુમલાઓ વચ્ચે, ઝેલેન્સકીએ રશિયા પર કડક પ્રતિબંધોની માંગ કરી છે.

મંગળવારે સાંજે પોતાના સંબોધનમાં, ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન ડ્રોન હુમલાઓની સંખ્યા વધી રહી છે, જેમાં દિવસે થતા હુમલાઓનો પણ સમાવેશ થાય છે. તેમણે સાથી દેશો પાસેથી વધુ સમર્થન માંગ્યું છે જેથી રશિયાના હુમલાઓનો જવાબ આપી શકાય.