અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ, 5.2ની તીવ્રતા નોંધાઈ

September 02, 2025

અફઘાનિસ્તાનમાં આજે (2 સપ્ટેમ્બર) ફરી ભૂકંપ આવ્યો છે. રિપોર્ટ મુજબ ત્યાં બે દિવસ પહેલા 6.0ની તીવ્રતાનો આંચકો નોંધાયા બાદ આજે ફરી 5.2નો ભૂકંપ આવ્યો છે, જેના કારણે વધુ દહેશત ફેલાઈ છે. બે દિવસ પહેલા આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં કુલ 1400 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર 5.2ની તીવ્રતાનું કેન્દ્ર પણ નાંગરહાર પ્રાંત નજીક હતું, જેના કારણે પહેલેથી જ તબાહીનો સામનો કરી રહેલા લોકોમાં વધુ ભય ફેલાયો છે.


તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદના જણાવ્યા મુજબ, રવિવારે આવેલા 6.0ની તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1411 થયો છે, અને 3124થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત કુનાર પ્રાંતમાં 5000થી વધુ ઘરો નાશ પામ્યા છે. અહીં મોટાભાગના કાચા મકાનો હોવાથી ધરાશાયી થયા છે, જેના કારણે હજારો લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે.


ભૂકંપ બાદ અહીં અનેક લોકો સંકટમાં મૂકાયા છે. લોકો પાસે ખાવા-પીવાની અને રહેવાની કોઈ વ્યવસ્થા નથી. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની હાલત ગંભીર છે. ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓને કારણે રાહત અને બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. તૂટેલા રસ્તાઓના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અનેક મુશ્કેલી આવી રહી છે. તાલિબાન સત્તાવાળાઓએ ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે, પરંતુ અનેક વિસ્તારોમાં હેલિકોપ્ટર પણ ઉતરી શકે તેવી સ્થિતિ નથી. યુએન અને અન્ય સંસ્થાઓ સતત મદદ માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ સંસાધનોની અછતને કારણે આ કામગીરી ધીમી પડી રહી છે.