રાયપુરના બેબીલોન ટાવરમાં ભીષણ આગ, 7 મા માળ સુધી લોકો ફસાયા

September 03, 2025

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મંગળવારે રાત્રે એક મોટી દુર્ઘટના બની છે. શહેરના જાણીતા બેબીલોન ટાવરમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે ટાવરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. 

ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબુ મેળવી લીધો, પરંતુ ધુમાડો ભરાઈ જવાથી અને વીજળી ગુલ થવાથી લોકોનો જીવ ગુંગળાવવા લાગ્યો. ટાવર સંપૂર્ણપણે સીલ હોવાને કારણે, અનેક લોકો 7મા માળ સુધી ફસાયા હતા. હાલમાં, ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આગની શરૂઆત ટેલીબાંધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બેબીલોન ટાવરના બેઝમેન્ટ (માઈનસ-1 ફ્લોર) માં થઈ હતી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આ આગ ઝડપથી 7મા માળ સુધી પહોંચી ગઈ. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. 

આગ વધુ ન ફેલાય તે માટે ટાવરની વીજળી કાપી નાખવામાં આવી હતી. આગ બુઝાવ્યા બાદ, ફાયર બ્રિગેડની ટીમે અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. 7મા માળ પર આવેલા એક રેસ્ટોરન્ટમાં પણ ઘણા લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. .