અંબાજીમાં શ્રદ્ધાળની હેલી, બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી

September 03, 2025

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો શરૂઆતથી જ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. મહામેળાના બીજા દિવસે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈભક્તોએ પહોંચીને જગત જનની જગદંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. ત્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહીત ઉત્તર ગુજરાતના તમામ માર્ગો ઉપર પગપાળા સંઘો પદયાત્રીઓની ભારે ભીડથી અંબાજીના માર્ગો ઉપર કીડીયારૂ ઉભરાયુ હોય તેવું વાતાવરણ સર્જાવા પામ્યું છે. બે દિવસમાં 7.29 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના ચરણોમાં શિશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી.

શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા અને આરાસુરની ગિરીકંદરાઓની વચ્ચે ‘મા’ અંબાના પવિત્ર ધામમાં ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓથી અલૌકિક માહોલ ઉભો થયો છે. રાજયભરમાંથી નીકળેલા  પગપાળા સંઘો અને માઈભક્ત પદયાત્રીઓની સેંકડો કિલોમીટરની પદયાત્રા વિશાળ માનવ સાંકળ રચી રહી છે. માનવ સાંકળને લીધે ટ્રાફિકજામ જેવા દ્રશ્યો સર્જાવા છતાં માર્ગો ઉપર હર્ષ અને ઉમંગ છે. પ્રત્યેક માઇભક્તોના ચહેરા પર અદમ્ય ઉત્સાહ ભક્તિ ભાવ છલકાઈ રહ્યો છે.