સસ્તા ઓઈલની સાથે S400 ની ઝડપી ડિલીવરી કરશે રશિયા, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને ફાયદો

September 03, 2025

અમેરિકાની ધમકીઓ વચ્ચે ભારત અને રશિયા વચ્ચે ભાગીદારી વધુ મજબૂત થતી દેખાય છે. હવે એવા અહેવાલો છે કે રશિયા ભારતને વધુ S-400 મિસાઇલ સિસ્ટમ મોકલવાનું વિચારી રહ્યું છે. બંને દેશો વચ્ચે સપ્લાય વધારવા માટે પણ વાતચીત ચાલી રહી છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારતને રશિયન ઓઈલ મામલે વધુ ડિસ્કાઉન્ટ મળી શકે છે. અહેવાલ અનુસાર રશિયન અધિકારી દિમિત્રી શુગાયેવે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "ભારત પાસે પહેલાથી જ અમારી S-400 સિસ્ટમ્સ છે. આ ક્ષેત્રમાં પણ અમારા પરસ્પર સહયોગને વિસ્તૃત કરવાની શક્યતાઓ છે. તેનો અર્થ એ છે કે નવી ડિલિવરી. હાલમાં, અમે વાતચીત કરી રહ્યા છીએ." ભારતે 2018 માં 5.5 બિલિયન ડોલરમાં 5 જેટલી S-400 મિસાઇલ સિસ્ટમ્સ માટે સોદો કર્યો હતો. અત્યાર સુધી રશિયા દ્વારા ત્રણ સિસ્ટમ્સ આપવામાં આવી છે. જોકે, બાકીના બેની ડિલિવરીમાં વિલંબ થયો છે. એવી શક્યતા છે કે રશિયા 2026 અને 2027 માં બાકીની 2 S-400 સિસ્ટમ ભારતને આપશે. ખાસ વાત એ છે કે મે મહિનામાં પાકિસ્તાન સાથેના સંઘર્ષ દરમિયાન S400 મિસાઇલ સિસ્ટમે મોટી ભૂમિકા ભજવી હતી. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતીય સેના 7 મેના રોજ પાકિસ્તાનમાં ઘૂસી ગઈ અને આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આ દરમિયાન રશિયાએ ભારતને ઓઈલ ખરીદી પર પહેલા કરતાં વધુ મોટું ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી કરી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાનું ઓઈ ભારત માટે પ્રતિ બેરલ 3-4 ડોલર સસ્તું થઈ શકે છે. બ્રેન્ટની તુલનામાં રશિયાના યુરાલ ક્રૂડ ઓઇલ પર પ્રતિ બેરલ 3 થી 4 ડોલરનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.