રાજસ્થાનમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો, ડેમ તૂટતાં ગામડા ડૂબ્યાં, અનેક દુર્ઘટના વચ્ચે ફરી એલર્ટ

September 03, 2025

રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમને કારણે આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી છે. 3 સપ્ટેમ્બરના રોજ ઝાલાવાડ, પ્રતાપગઢ અને બાંસવાડા માટે ઓરેન્જ એલર્ટ અને જ્યારે ચિત્તોડગઢ, બુંદી, કોટા, બારા, સવાઈ માધોપુર, કરૌલી, ધોલપુર, ભરતપુર, દૌસા અને અલવરમાં યલો એલર્ટ રહેશે.

રાજસ્થાનમાં સતત વરસાદને કારણે જાલોર, સિરોહી, દૌસા, જોધપુર અને પ્રતાપગઢ જેવા અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ ગંભીર છે. દૌસાના લાલસોટમાં નાલાવાસ ડેમ તૂટતાં જયપુરના કોટખાવડા અને ચાકસુ તાલુકાના પાંચથી વધુ ગામોમાં પૂર આવ્યું છે, જ્યાં સેંકડો લોકો ફસાયા છે.

પ્રતાપગઢમાં એક શિક્ષક પુલ પરથી માહી નદીમાં પડી ગયા, સવાઈ માધોપુરમાં એક યુવક બંધ પર સ્ટંટ કરતા તણાઈ ગયો, જોધપુરમાં એક મકાન ધરાશાયી થયું, પાલીમાં એક ટ્રક ફસાઈ ગઈ અને જાલોરમાં ત્રણ બાઇક સવાર પાણીમાં તણાઈ ગયા, જેમાંથી એકની શોધ ચાલુ છે.