5th જનરેશન જેટ, આખી દુનિયામાં હુમલા કરી શકતી ન્યૂક્લિયર મિસાઈલ, ચીને નવા હથિયાર રજૂ કર્યા

September 03, 2025

ચીને બુધવારે (3 સપ્ટેમ્બર) બેઇજિંગમાં પોતાની અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય પરેડનું આયોજન કર્યું છે. આ આયોજન દ્વિતીય વિશ્વ યુદ્ધની સમાપ્તિના 80 વર્ષ પૂરા થવા પર છે. આ વિક્ટ્રી-ડે મિલિટ્રી પરેડમાં ચીને પોતાની નવી સૈન્ય ટેક્નિક અને આધુનિક હથિયારોનું પ્રદર્શન કર્યું હતું. પરેડ દરમિયાન મોટા સૈન્ય વિમાનોએ પહેલીવાર સત્તાવાર રીતે ચીની સેનામાં ડેબ્યૂ કર્યું છે. પહેલું, KJ-600 કેરિયર-બેઝ્ડ અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ, જેવા નૌકાદળના કાફલા પર નજર રાખવા અને દુશ્મનની ગતિવિધિઓ શોધવા માટે બનાવવામાં આવ્યું છે. આ વિમાન ચીની નૌકાદળને દરિયાઈ સંરક્ષણ અને પ્રારંભિક ચેતવણી ક્ષમતાઓમાં મોટો વધારો કરશે. બીજું, ચીનનું બે-સીટર J-20S ફાઇટર જેટ, જેને 5મી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ માનવામાં આવે છે. તેને "ચીનનું આધુનિક કોમ્બેટ એરક્રાફ્ટ" કહેવામાં આવી રહ્યું છે, જેમાં એડવાન્સ સ્ટેલ્થ ટેક્નોલોજી અને ઉચ્ચ-સ્તરીય એવિઓનિક્સ સિસ્ટમ હાજર છે. આ ભવ્ય આયોજનની અધ્યક્ષતા પ્રમુખ શી જિનપિંગે કરી. ખાસ મહેમાનોમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનનો સમાવેશ થયો હતો. આ પ્રસંગે, ચીને તેના ઘણા નવા શસ્ત્રોનું પ્રદર્શન કર્યું, જેમાં HQ-19 એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ, ડ્રોન સિસ્ટમ, ટેન્ક, PCH-191 મોડ્યુલર લાંબા અંતરના રૉકેટ લોન્ચર, એન્ટી-સબમરીન મિસાઇલ્સ અને નવીનતમ માનવરહિત ગ્રાઉન્ડ વ્હીકલ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ચીન અને તેના પડોશી દેશો વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો છે. વિશ્લેષકો માને છે કે આ પરેડ દ્વારા શી જિનપિંગ અમેરિકા પછી એક નવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સ્થાપિત કરવાનો સંદેશ આપવા માંગે છે. રસપ્રદ વાત એ છે કે, આ કાર્યક્રમમાં લગભગ કોઈ પશ્ચિમી નેતા હાજર રહ્યા ન હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચીન પર આ કાર્યક્રમ પર "કાવતરું" કરવાનો આરોપ લગાવ્યો છે. આ પરેડને ચીનની લશ્કરી શક્તિ અને એરોસ્પેસ મહત્વાકાંક્ષાઓનું પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. બેઇજિંગના ઐતિહાસિક તિયાનમેન સ્ક્વેરમાં આયોજિત આ પરેડ ચીનની વધતી જતી સંરક્ષણ ક્ષમતાઓ અને વૈશ્વિક પ્રભાવને દર્શાવવાનો એક મોટો પ્રયાસ હતો.