માથાભારે તત્વો દ્વારા વડોદરામાં વધુ એક હુમલો, તોડફોડ કરી સાળા-બનેવીને માર્યા

September 05, 2025

વડોદરા શહેરમાં રાત્રે 11 વાગ્યા પછી લારી-ગલ્લા અને દુકાનો બંધ કરવામાં આવે છે ત્યાર પછી જમવાનું શોધવા માટે નીકળતા કેટલાક માથાભારે તત્વો દ્વારા દુકાનદારો અને રેસ્ટોરન્ટના સંચાલકો પર હુમલાના બનાવો બનતા હોય છે. ગઈ રાત્રે આવો જ વધુ એક બનાવ બનતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


ન્યુ વીઆઇપી રોડ પર પંચમ ઇલાઇટની બાજુમાં રહેતા અને નાગબાનગર સોસાયટીના નાકા ઉપર નાસ્તાની દુકાન ધરાવતા નરેશભાઈ કેસરા ભાઈએ પોલીસને કહ્યું છે કે ગઈકાલે રાત્રે હું તેમજ મારો સાળો રોનક દુકાને હાજર હતા તે દરમિયાન એક બુલેટ ઉપર બે જણા આવ્યા હતા અને જમવાનું બનાવવાનું કહેતા અમે દુકાન અને લારી બંધ થઈ ગયા છે તેમ કહ્યું હતું. આ વખતે બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી લારી પરનો સામાન ફેંકવા માંડ્યા હતા. તેમજ મારા સાળાને માર માર્યો હતો. એક જણાએ રસોઈ બનાવવાનો મોટો ચમચો લઈ મને બરડા પર માર્યો હતો તેમજ મારા સાળાને નીચે પાડી હાથમાં ઇંટનો ટુકડો લઈ મારતા તેને ઈજા થઈ હતી. અમે બચવા માટે ત્યાંથી ભાગી ગયા હતા.  બનાવને પગલે હરણી પોલીસે બંને અજાણ્યા શખ્સ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.