ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો

September 05, 2025

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ બનાવટી મતદારોની મોટી પોલ ખુલી છે. ઉત્તર પ્રદેશ ચૂંટણી પંચે યુપીની મતદાર યાદીનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મારફત એક સરવે કરાવ્યો હતો. જેમાં સવા કરોડ મતદારોની માહિતી આપવામાં આવી છે, જે ગ્રામ પંચાયત ઉપરાંત નગર નિગમમાં પણ મતદાર છે. અર્થાત એક જ વ્યક્તિ બે સ્થળે મતદાન કરી રહ્યો છે. આ અંગે પંચાયતી રાજ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે માહિતી આપી હતી.


ઓમ પ્રકાશ રાજભરેએ જણાવ્યું કે, પ્રદેશમાં સવા કરોડ બનાવટી મતદારોનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ચૂંટણી પંચે તમામ જિલ્લાના જિલ્લાધિકારીઓને આ સરવે રિપોર્ટની બીએલઓ પાસે તપાસ કરાવવા આદેશ આપ્યો છે. જે મતદારોના નામ બંને સ્થળે છે, તેની બીએલઓ દ્વારા તપાસ હાથ ધરી અંતિમ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે બે સ્થળ પર મતદારોનું નામ મળી આવ્યું તો એક સ્થળેથી નામ કમી કરવામાં આવશે.


ઓમ પ્રકાશ રાજભરે આ કૌભાંડ પાછળ નેતાઓની મિલીભગત જવાબદાર હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, સ્થાનિક સ્તર પર ચૂંટણી જીતવા માટે નેતા આસપાસના વિસ્તારોમાંથી પોતાના અંગત લોકોના નામ પોતાના વિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરી દે છે. જેથી તેઓ સરળતાથી ચૂંટણી જીતી શકે.