બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પક્ષના નેતાઓ સામસામે

September 06, 2025

ચિરાગે 43 બેઠકો માંગતા માંઝીએ કર્યો કટાક્ષ

બિહારની રાજનીતિમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ગરમાવો આવ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળના NDAમાં બેઠકોની વહેંચણીને લઈને રહસ્યમય નિવેદનોનો દોર શરૂ થયો છે. સૌથી મોટો સવાલ એ છે કે શું આ ગઠબંધન એકજૂટ રહેશે કે પછી કોઈ મોટો રાજકીય ભૂકંપ આવશે? ગઠબંધનના સાથી પક્ષો હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)ના પ્રમુખ જીતનરામ માંઝી અને લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસ (LJPR)ના વડા ચિરાગ પાસવાન વચ્ચે હાલ શાબ્દિક પ્રહારો ચાલી રહ્યા છે, તે જોતા NDAમાં ભારે ડખો ચાલતો હોવાની ચર્ચાઓ તેજ બની ગઈ છે. 
ચિરાગ પાસવાને ચૂંટણીમાં 43 બેઠકોની માંગણી કરી છે, જેને લઈને જીતનરામ માંઝીએ તેમના પર કટાક્ષ કરી કહ્યું છે કે, ‘તેમનો સ્વભાવ અને ચાલ હું 2020 થી જાણું છું., તેથી હું તેમના વિશે વધુ નહીં બોલું. પરંતુ બિહાર અને ભારતને મજબૂત કરવા માટે તમામે એનડીએને મજબૂત બનાવવું જોઈએ.’ માંઝીએ એમ પણ કહ્યું કે, 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાદ બેઠકોની વહેંચણી અંગે દિલ્હીમાં એનડીએની મોટી બેઠક યોજાશે.


અગાઉ માંઝીએ કહ્યું હતું કે, ‘જો જરૂર પડશે તો તેમની પાર્ટી બિહારની બધી બેઠકો પર ચૂંટણી લડશે.’ જોકે, પછી તેઓ બોલ્યા હતા કે, આવું નિવેદન ક્યારેક કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે. તમે અગાઉની ચૂંટણીમાં જોયું હતું કે, અમારી પાર્ટી કેટલી બેઠકો પર ચૂંટણી લડી, તેમ છતાં અમે 62થી વધુ બેઠકો પર ચૂંટણી પ્રચાર કર્યો હતો. ગઠબંધનમાં દરેક પક્ષ તમામ બેઠકો પર ચૂંટણી લડે છે.’
આ ઉપરાંત માંઝીએ જીએસટી ફેરફાર માટે કેન્દ્ર સરકારની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, 46 વર્ષના રાજકીય જીવનમાં આવો મોટો લાભ કોઈ સરકારે આપ્યો નથી અને નરેન્દ્ર મોદી સરકાર માત્ર ગરીબો માટે કામ કરે છે. આ તમામ નિવેદનો દર્શાવે છે કે બિહારમાં NDAની અંદરનું રાજકારણ ગરમાયું છે