પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા

September 05, 2025


પઠાણકોટ : પંજાબ હાલ કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે પૂર આવતાં 43થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 1.71 લાખ હેક્ટરમાં ફેલાયેલો પાક બરબાદ થયો છે. 23 જિલ્લાના 1902 ગામ  પાણીમાં ગરકાવ થયા છે. લગભગ 3,84,205 લોકો અસરગ્રસ્ત થયા છે. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં અત્યારસુધી 20,972 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.


પંજાબના મહેસૂલ, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી  હરદીપ સિંહ મુંડિયને જણાવ્યું કે, ભયાવહ પૂરના કારણે 23 જિલ્લાના કુલ 1902 ગામ પ્રભાવિત થયા છે. જેનાથી 3.84 લાખથી વધુ લોકોનું જીવન ખોરવાયુ છે. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં અત્યારસુધીમાં 20972 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 24 કલાકમાં વધુ છ લોકોના મોત થયા છે. આ સાથે 14 જિલ્લામાં મૃતકોની સંખ્યા વધી 43 થઈ છે.  
હોશિયારપુરમાં સાત, પઠાણકોટમાં છ, બરનાલા અને અમૃતસરમાં 5-5, લુધિયાણા અને બઠિંડામાં ચાર-ચાર, ગુરદાસપુર અને એસએએસ નગરમાં બે-બે, પટિયાલા, રૂપનગર, સંગરૂર, ફાઝિલ્કા, અને ફિરોઝપુરમાં 1-1ના મોત થયા છે. પઠાણકોટમાં ત્રણ લોકો ગુમ છે. પૂર સંબંધિત આંકડા 1 ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર સુધીના છે. પંજાબમાં પૂરની તબાહીમાં ખેતરો તણાયા છે. 1.71 લાખ હેક્ટરમાં ઉભો પાક નષ્ટ થયો છે.  ગુરદાસપુર, અમૃતસર, ફાઝિલ્કા, કરૂરથલા, માનસામાં પાકને સૌથી વધુ નુકસાન થયુ છે.