સંજય લીલા ભણશાળી સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ

September 03, 2025

મુંબઇ : રણબીર કપૂર, આલિયા ભટ્ટ તથા વિકી કૌશલની ફિલ્મ 'લવ એન્ડ વોર'નાં શૂટિંગ મુદ્દે ફિલ્મ સર્જક સંજય લીલા ભણશાળી સામે રાજસ્થાનના બિકાનેરમાં છેતરપિંડીની પોલીસ ફરિયાદ થઈ છે.  પ્રતીક રાજ માથુરે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેને નવેમ્બર ૨૦૨૪માં સંજય લીલા ભણશાળીના ઉત્કર્ષ બાલીએ રાજસ્થાનમાં લાઈન પ્રોડયૂસર તરીકે જોડાવા કહ્યું હતું. સામાન્ય રીતે કોઈ ફિલ્મના આઉટડોર  લોકેશન વખતે લોજિસ્ટિક્સ, તમામ જરુરી મંજૂરીઓ, સ્થાનિક મેનપાવર તથા ઈક્વિપમેન્ટ સહિતની જવાબદારીઓ આ લાઈન પ્રોડયૂસર સંભાળતા હોય છે. પ્રતીકે ભણશાળીનાં નામે ભરોસો કરી રાજસ્થાનમાં તમામ તૈયારીઓ કરી દીધી હતી અને પોતાના તરફથી મોટી રકમનો ખર્ચો પણ કરી દીધો હતો. બાદમાં પ્રતીકને જાણ થઈ હતી કે રાજસ્થાનનું શિડયૂલ કેન્સલ કરાયું છે. એ પછી પ્રતીકને ખબર પડી હતી કે ફિલ્મનું શૂટિંગ ઓલરેડી રાજસ્થાનમાં બીજા લાઈન પ્રોડયૂસર દ્વારા થઈ ચૂક્યું છે. પ્રતીકના આક્ષેપ મુજબ સંજય લીલા ભણશાળી હવે તેને જાણે ઓળખતા પણ નથી તેવો વ્યવહાર કરે છે. ઉત્કર્ષ બાલીએ તેને આ વાત ભૂલી જવા દબાણ કર્યું હતું. આખરે પ્રતીકે પોલીસ ફરિયાદ કરી છે. જોકે, સંજય લીલા ભણશાળી પ્રોડક્શન્સ તરફથી આ ફરિયાદ અંગે કોઈ સ્પષ્ટતા મોડે સુધી કરાઈ ન હતી.