વિશ્વવિખ્યાત ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે નિધન

September 05, 2025

- ઇટાલીના મિલાનમાં જન્મેલા અરમાનીએ આગવી ફેશન સેન્સ વડે 10 અબજ ડોલરનું સામ્રાજ્ય રચ્યું : અરમાની  બ્રાન્ડના 50 વર્ષ નિમિત્તે ભવ્ય ઇવેન્ટ યોજવાના હતા
મિલાન : વિશ્વને ફેશનની નવી જ પરિકલ્પના આપનારા વિશ્વવિખ્યાત ઇટાલિયન ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું ૯૧ વર્ષની વયે નિધન થયું છે.પોતાની આગવી ફેશન સેન્સ વડે અબજો ડોલરનું ફેશન હાઉસ ઊભું કરનારા અરમાનીનું તેમના જ ઘરે નિધન થયું હતું. અરમાની વૈશ્વિક ફેશન ઉદ્યોગના લબ્ધપ્રતિષ્ઠિતનામોમાં એક હતા. ખરાબ તબિયતના લીધે પહેલી જ વખત જુન ૨૦૨૫માં યોજાયેલી  મિલાન ફેશન વીકમાં અરમાની હાજર રહી શક્યા ન હતા. 


તેઓ ફેશન ઉદ્યોગમાં તેમની જ્યોર્જિયો અરમાની બ્રાન્ડના ૫૦ વર્ષની ઉજવણી કરવા આ સપ્તાહે મિલાન ફેશન વીકમાં મોટી ઇવેન્ટ કરવાનું આયોજન ધરાવતા હતા.  અરમાનીએ ૧૯૭૦ના દાયકામાં પેન્ટની સિમ્પલ પેર અને અર્બન પેલેટની સાથે અનલાઇન્ડ જેકેટથી પ્રારંભ કરીને અરમાનીએ ઇટાલિયન રેડી-ટુ-વેર સ્ટાઇલને વૈશ્વિક ફેશન ફલક પર મૂકી દીધુ હતુ. કેઝ્યુઅલ છતાં પણ સ્ટાઇલિશ અભિગમ ધરાવતા અરમાની બ્રાન્ડના વસ્ત્રોએ ફેશન જગત પર પાંચ-પાંચ દાયકા સુધી શાસન કર્યુ છે.


એક્ઝિક્યુટિવ ઓફિસથી લઈને હોલિવૂડ સ્ક્રીન સુધી અરમાનીના વસ્ત્રોની બોલબાલા હતી. અરમાનીએ તેના મૃત્યુ સુધીમાં ફક્ત તેમની ફેશન સેન્સ વડે ૧૦ અબજ ડોલરનું સામ્રાજ્ય રચ્યુ હતુ. તેમા ક્લોથિંગમાં એસેસરીઝ, હોમ ફર્નિશિંગ્સ, પરફ્યુમ્સ, કોસ્મેટિક્સ, બૂક્સ, ફ્લાવર્સ અને ચોકોલેટ્સનો પણ સમાવેશ થાય છે. ફોર્બ્સ મુજબ તે વિશ્વના ૨૦૦ ટોચના અબજપતિમાં સ્થાન પામતા હતા.
આ ઉપરાંત અરમાની પાસે તેની માલિકીના કેટલાક બાર, ક્લબ્સ, રેસ્ટોરા અને પોતાની બાસ્કેટ બોલ ટીમ ઇએ સેવન એમ્પોરિયો અરમાની મિલાન હતી, જે ઓલોમ્પિયા મિલાનો તરીકે જાણીતી હતી. અરમાનીએ મિલાનથી લઈને ટોક્યો સુધીમાં ૧૯૯૮ સુધીમાં ૨૦ રેસ્ટોરા અને બે હોટેલ્સ ખોલીહતી. જ્યારે ૨૦૦૯માં એક દુબઈમાં અને ૨૦૧૦માં અન્ય એક મિલાનમાં શરૂ કરી હતી.