વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી, BCCIના નિર્ણયને કારણે થયો વિવાદ

September 03, 2025

ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે, પરંતુ કોહલીની ફિટનેસ ટેસ્ટ અન્ય ખેલાડીઓની જેમ બેંગ્લુરૂમાં લેવાના બદલે લંડનમાં થતાં વિવાદ સર્જાયો છે. મોટાભાગના ભારતીય ખેલાડીઓએ બેંગ્લુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ફિટનેસ ટેસ્ટ આપી હતી. જ્યારે વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ આપી હતી. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી હાલ પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કોહલીએ યુકેમાં પોતાની ફિટનેસ ટેસ્ટ આપવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની વિશેષ પરવાનગી લીધી હતી. જ્યારે ટીમના મોટાભાગના ખેલાડીઓની ફિટનેસ ટેસ્ટ બેંગ્લુરૂમાં થઈ હતી. કોહલીએ આ ટેસ્ટ પાસ તો કરી લીધી છે, પણ લંડનમાં ફિટનેસ ટેસ્ટ માટે મળેલી ખાસ છૂટના કારણે વિવાદ સર્જાયો છે.  વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી હતો, જેણે પોતાની ફિટનેસ ટેસ્ટ દેશની બહાર આપી. રિપોર્ટમાં અન્ય કોઈ ખેલાડીએ આ પ્રકારની છૂટ માગી ન હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ પ્રકારની છૂટ મળી શકે કે કેમ તેના પર ચર્ચા છેડાઈ છે. આ મામલે બીસીસીઆઈના એક અધિકારીને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું કે, કોહલીએ આ પ્રકારની છૂટ માટે બીસીસીઆઈ પાસે મંજૂરી માગવામાં આવી હશે. જો કે, હજી જાણવા મળ્યું નથી કે, કયા નિયમ હેઠળ આ  પ્રકારની છૂટ આપવામાં આવે છે, તેમજ અન્ય કોઈ ખેલાડીને પણ છૂટ મળી શકે કે કેમ.