મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીઓ હજુ લાપતા

September 05, 2025

મહીસાગર :  ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ગઈકાલે ગુરુવારે અચાનક 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા, તાત્રોલી નજીક આવેલા અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગંભીર દુર્ઘટના બની છે. પાણીનો પ્રવાહ એકાએક વધવાથી પ્લાન્ટના કૂવામાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ ગુમ થયા છે. આ ઘટનાને પગલે NDRF, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે, પરંતુ 24 કલાકથી વધુ સમય વિતવા છતાં ગુમ થયેલા કર્મચારીઓનો કોઈ પત્તો લાગ્યો નથી.


આ ઘટનામાં બચી ગયેલા એક કર્મચારીએ જણાવ્યું કે, બપોરે લગભગ 3 વાગ્યે અચાનક પ્લાન્ટની અંદર 200 ફૂટ નીચે એક બ્લાસ્ટ થયો અને પાણીનો પ્રવાહ એટલી ઝડપથી અંદર ઘૂસી ગયો કે કોઈને સંભાળવાનો સમય જ ન મળ્યો. તે સમયે પ્લાન્ટની અંદર લગભગ 15થી વધુ કર્મચારીઓ હતા, જેમાંથી 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા. જેમને તરતા આવડતું હતું અથવા કોઈ વસ્તુ પકડી શક્યા, તેઓનો બચાવ થયો, પરંતુ બાકીના પાંચ કર્મચારીઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા.


ગુમ થયેલા યુવકોના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. ગોધરાના એક ગુમ થયેલા યુવકના પરિજને સરકાર અને તંત્રને અપીલ કરી છે કે તેમના પ્રિયજન જીવિત કે મૃત હાલતમાં પણ જલ્દીથી મળે. જિલ્લા વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ બચાવ કામગીરી ચાલી રહી છે.