જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું

September 06, 2025

રાષ્ટ્રીય ચિહ્નને નુકસાન પહોંચાડવું એ આતંકવાદી હુમલો

જમ્મુ : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં શુક્રવારે રોષે ભરાયેલી ભીડે તોડફોડ કરી હતી. આ ભીડનો આક્રોશ દરગાહની અંદર સ્થાપિત શિલાલેખ પર રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ અંકિત હોવાના કારણે હતો. લોકો શિલાલેખ પરથી અશોક સ્તંભને એકેશ્વરવાદ અને ઈસ્લામની ભાવનાની વિરુદ્ધ ગણાવતા તેને તાત્કાલિક હટાવવાની માગ કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર વક્ફ બોર્ડના અધ્યક્ષ દરખ્શાં આંદ્રાબીએ તોડફોડ કરનારાઓ સામે FIR દાખલ કરી છે અને PSA હેઠળ કાર્યવાહી કરવાની માગ કરી છે.


વક્ફ બોર્ડના અધ્યક્ષે આ સમગ્ર વિવાદ માટે શાસક નેશનલ કોન્ફરન્સને જવાબદાર ઠેરવી છે. તેમણે એમ પણ કહ્યું કે, જો FIR દાખલ કરીને કાર્યવાહી કરવામાં ન આવે તો હું ભૂખ હડતાળ પર ઉતરી જઈશ. આંદ્રાબીએ આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે રાષ્ટ્રીય ચિહ્નને નુકસાન પહોંચાડવું એ આતંકવાદી હુમલો છે અને હુમલાખોરો એક રાજકીય પક્ષના ગુંડા છે. આ લોકોએ પહેલા પણ કાશ્મીરને બરબાદ કર્યું હતું અને હવે તેઓ દરગાહ શરીફની અંદર આવી ગયા છે. ડૉ. દરખ્શાં આંદ્રાબીએ આગળ જણાવ્યું કે, ટોળાએ સંચાલક પર પણ હુમલો કર્યો હતો. તેઓ માંડ માંડ બચી ગયા. દરગાહની ગરિમાને ઠેસ પહોંચી છે અને આ કૃત્ય કરનારાઓની ઓળખ થતાં જ તેમને દરગાહમાં પ્રવેશવા પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવશે. નેશનલ કોન્ફરન્સના મુખ્ય પ્રવક્તા તનવીર સાદિકે પણ આ સમગ્ર ઘટના પર નિવેદન આપ્યું છે.