પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિનેટ બેઠક મોકૂફ, હોસ્પિટલમાં દાખલ

September 05, 2025

કેજરીવાલે ખબર અંતર પૂછવા માનના નિવાસસ્થાને પહોંચ્યા


ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડતા તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી તેમની તબિયત ખરાબ હતી અને તેઓ દવાઓ લઈ ઘરે જ આરામ કરી રહ્યા હતા. જોકે, તબિયતમાં કોઈ સુધારો ન થતા આજે (5 સપ્ટેમ્બર) તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમને વાયરલ તાવ અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ છે. મુખ્યમંત્રી ભગવંત માન શુક્રવારે ચંડીગઢમાં યોજાનારી પંજાબ કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરવાના હતા, પરંતુ તેમની બીમારીને કારણે આ બેઠક મોકૂફ રાખવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત થવાની અપેક્ષા હતી, કારણ કે પંજાબ હાલમાં પૂરની ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. રાજ્યમાં પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર છે.

અહીં પૂરથી મૃત્યુઆંક વધીને 43 થયો હોવાના તેમજ 1.71 લાખ હેક્ટરથી વધુ કૃષિ જમીનને નુકસાન થયું હોવાના અહેવાલો છે. મુખ્યમંત્રીની તબિયત ખરાબ હોવાના કારણે ગઈકાલે તેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ શક્યા ન હતા. કેજરીવાલ સીએમ માનના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા માટે ગુરુવારે (4 સપ્ટેમ્બર) તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કેજરીવાલ બુધવારે સાંજે પંજાબમાં પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરવા આવ્યા હતા અને તેઓ મુખ્યમંત્રી સાથે મળીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના હતા, પરંતુ ભગવંત માન સાથે ન હોવાના કારણે તેમણે માત્ર કપૂરથલા જિલ્લાના સુલતાનપુર લોધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.