દુબઈમાં એવોર્ડ સમારંભમાં મેકર્સની પુષ્પા-થ્રી બનાવવાની જાહેરાત

September 08, 2025

મુંબઈ: 'પુષ્પા થ્રી' બનવાની હોવાની  દિગ્દર્શક સુકુમારે સત્તાવાર જાહેરાત કરી છે. હાલ દુબઈમાં યોજાયેલા એક એવોર્ડ સમારોહમાં 'પુષ્પા ટુ' માટે એવોર્ડ સ્વીકારતી વખતે તેણે આ જાહેરાત કરી હતી. આ વખતે અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાન તથા સંગીતકાર દેવી  શ્રી પ્રસાદ પણ સમારોહમાં હાજર હતા. એ તમામે આ જાહેરાતને અનુમોદન આપ્યું હતું. 'પુષ્પા થ્રી'ને હાલ 'પુષ્પા, ધી રેમ્પેજ' એવું ટાઈટલ અપાયું છે. જોકે,  ફિલ્મનું પ્રોડક્શન ખરેખર ક્યારથી શરુ થશે તે અંગે અટકળો સેવાય છે. અલ્લુ અર્જુન આશરે ચાર વર્ષ સુધી વારાફરતી 'પુષ્પા ' અને 'પુષ્પા ટુ' પ્રોજેક્ટસ સાથે સંકળાયેલો રહ્યો હતો. આથી તેણે હવે અન્ય વૈવિધ્ય ધરાવતી ભૂમિકાઓ માટે સળંગ ડેટ્સ ફાળવી  દીધી છે. બીજી તરફ  રશ્મિકા સાઉથ ઉપરાંત હિંદી ફિલ્મોમાં પણ વ્યસ્ત થઈ ચૂકી છે. સાઉથના વર્તુળોના અંદાજ અનુસાર મેકર્સ દ્વારા  ભલે હાલ જાહેરાત કરી દેવામાં આવી હોય પરંતુ ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી ' પુષ્પા થ્રી' મોટા પડદા પર આવે તેવી  શક્યતા નહિવત્ત છે.