'પહેલા ખાડા દૂર કરો', રાજકોટમાં હેલ્મેટ માટે પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ સામે લોકોમાં રોષ

September 08, 2025

સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને કરેલા આદેશ બાદ ગૃહ વિભાગ દ્વારા વાહનચાલકોને હેલ્મેટ ફરજિયાતની જાહેરાત કરાઈ છે. ત્યારે હેલ્મેટ અંગે અમલવારી કરાવવા રાજકોટમાં સોમવારથી (આઠમી સપ્ટેમ્બર) પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાઈ છે. શહેરના રાજમાર્ગો તેમજ અલગ અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસે હેલ્મેટ અંગેની ડ્રાઈવની કામગીરી હાથ ધરી હતી. પરંતુ આ સ્પેશિયલ ડ્રાઈવ સામે લોકોએ રોષ ઠાલવતા કહ્યું કે,'સરકાર દ્વારા પહેલા શહેરના રસ્તા પરથી ખાડાઓ દૂર કરાવો અને તેને વાહનચલાવવા માટે યોગ્ય બનાવો, ત્યારબાદ હેલ્મેટ જેવા કાયદાનું કડક પાલન કરાવે.' મળતી માહિતી અનુસાર, રાજકોટના કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી રોડ અને ગોંડલ રોડ પર ટ્રાફિક પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. હેલ્મેટ વગરના વાહનચાલકોને અટકાવીને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, 'સરકારે હેલ્મેટ ફરજિયાત કરતા પહેલા શહેરના રસ્તાઓ પરના ખાડાઓને સુધારવા જોઈએ.' જ્યારે કેટલાક વાહનચાલકોનું કહેવું છે કે, 'ગરમી અને ભેજવાળા વાતાવરણમાં હેલ્મેટ પહેરવું શક્ય નથી. આ ઉપરાંત હેલ્મેટ પહેરવાથી સાઈડમાં જોવું મુશ્કેલ બને છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે.' રાજકોટમાં સ્પેશિયલ હેલ્મેટ ટ્રાઈવ અંગે ટ્રાફિકના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) હરપાલસિંહ જાડેજા જણાવ્યું હતું કે, 'હેલ્મેટનો કાયદો વર્ષ 1988થી અમલમાં છે, તેમ છતાં ઘણાં લોકો તેનું પાલન કરતા નથી. અકસ્માતના મોટાભાગના કેસમાં માથામાં ગંભીર ઈજા થવાને કારણે મૃત્યુ થાય છે અને હેલ્મેટ આવી ઈજાઓથી બચાવી શકે છે. બાઈક પર પતિ-પત્ની અને બાળક હોય તો બાળકને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આ નિયમ લોકોના જીવનની સુરક્ષા માટે જ છે. અમારી આ પહેલનો હેતુ લોકોને હેલમેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનો છે.