જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબાનું રાજીનામું, સત્તાધારી પક્ષમાં તિરાડ રોકવા મોટો નિર્ણય

September 07, 2025

જાપાનના વડાપ્રધાન શિગેરૂ ઈશિબાએ રાજીનામું આપી દીધું છે. જુલાઈમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતાં ઈશિબાએ આજે પદ છોડવાની જાહેરાત કરી હતી. સત્તાધારી પક્ષમાં તિરાડ પડતી રોકવા તેમણે આ નિર્ણય લીધો છે.  


ઈશિબા છેલ્લા ઘણાં સમયથી પોતાના જ પક્ષના મોટા ભાગના વિરોધીઓની માગનો સામનો કરી રહ્યા છે. તેમની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી આવતીકાલે સમયથી પહેલાં વડાપ્રધાનની ચૂંટણી કરાવવાનો નિર્ણય લેવાની છે. ઈશિબા પોતાની વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થાય તે પહેલાં જ પદ છોડવા તૈયાર થયા હતા. 

ઈશિબા ચૂંટણીમાં હાર્યા હોવા છતાં અમેરિકાના ટેરિફ જેવા પડકારોનો સામનો કરવા માટે પદ પર યથાવત રહ્યા. ઈશિબાને જાપાનની મહત્ત્વપૂર્ણ ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 20 જુલાઈના રોજ યોજાયેલી સંસદીય ચૂંટણીમાં  લિબરલ ડેમોક્રેટિક પાર્ટી તેના સહયોગી ગઠબંધન કોમેઈતો ઉચ્ચ સદનની 248 બેઠકમાં બહુમતિથી ત્રણ બેઠક દૂર રહી હતી. આમ છતાં ઈશિબાએ વડાપ્રધાનનું પદ છોડ્યું ન હતું.
ઈશિબાની પાર્ટીએ આ વર્ષે ઉપલા સદનમાં તો ગતવર્ષે નીચલા સદનમાં બહુમતિ ગુમાવી હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં નીચલા સદનની ચૂંટણીમાં તેમના પક્ષે લોકપ્રિયતા ગુમાવી હતી. વધુમાં તેઓ સંસદમાં બિલ પસાર કરવા માટે વિપક્ષ સામે ઝૂકવા મજબૂર બન્યા હતા. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીનો વિરોધ થવા પાછળનું કારણ ચોખાની વધતી કિંમતી અને મજૂરીમાં ઘટાડો છે. તે જાપાનના પારંપારિક મુખ્ય અનાજ ખાસ કરીને ચોખાના ભાવમાં વધારો તેમજ રોજગારીમાં થઈ રહેલો ઘટાડો અટકાવવા નિષ્ફળ રહી હતી.