અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ વધ્યો, 25થી વધુની અટકાયત

September 07, 2025

શ્રીનગર : શ્રીનગરમાં આવેલા પ્રસિદ્ધ હઝરતબલ દરગાહમાં લગાવવામાં આવેલા અશોક ચક્ર (રાષ્ટ્રીય પ્રતીક) ની તોડફોડના સંદર્ભે 25 થી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. આ ઘટના શુક્રવારની નમાજ પછી બની હતી, જેના કારણે વિસ્તારમાં વિવાદ અને રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સીસીટીવી ફુટેજ અને અન્ય વીડિયોની તપાસના આધારે આ લોકોની અટકાયત કરવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈની ઔપચારિક ધરપકડ કરવામાં આવી નથી.
આ સમગ્ર વિવાદની શરુઆત ગુરુવારે હઝરતબલ દરગાહ પર અશોક સ્તંભ (રાષ્ટ્રીય પ્રતીક) વાળી તકતી લગાવવામાં આવી ત્યારે થઈ હતી. જ્યાં પયગંબર મોહમ્મદના પવિત્ર અવશેષ રાખવામાં આવ્યા છે. શુક્રવારની નમાજ પછી કેટલાક શ્રદ્ધાળુઓએ તેને ઇસ્લામિક એકેશ્વરવાદ (તૌહીદ) વિરુદ્ધ માનીને તોડી નાખી અને દૂર કરી દીધી. નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને સીપીઆઈ(એમ) એ આ પગલાને ભડકાઉ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું હતું અને વકફ બોર્ડના અધ્યક્ષ દરક્ષણ અંદ્રાબી સામે કાર્યવાહીની માંગ કરી હતી.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, વકફ બોર્ડે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ. ધાર્મિક સ્થળોમાં સરકારી ચિહ્નનો ઉપયોગ થતો નથી. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે દરગાહ સરકારી સંસ્થાઓ નથી. તો, ભાજપે આ તોડફોડની નિંદા કરી હતી અને તેને આતંકવાદ અને અલગતાવાદને ફરીથી ઉપસાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. આ દરમિયાન, દારક્ષન અંદ્રાબીએ તે લોકોને 'ગુંડા' કહ્યા અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, જાહેર સલામતી કાયદા હેઠળ કેસ દાખલ થવો જોઈએ. તેના જવાબમાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પહેલા માફી તો માંગવી જોઈતી હતી, હવે ધમકીઓનો આશરો લેવામાં આવી રહ્યો છે. વક્ફ બોર્ડે જનતાની લાગણીઓ સાથે રમત રમી રહી છે. પોલીસે આ મામલે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો છે અને તપાસ ચાલુ છે.