ઈંગ્લેન્ડે વન-ડે ઇતિહાસના સૌથી મોટા વિજયનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, ટોપ-5માં ભારત પણ સામેલ

September 08, 2025

ઈંગ્લેન્ડની ટીમે વનડે ઈતિહાસમાં સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમ બીજા ક્રમે છે. પરંતુ ટોપ-5માં બે વખત ટીમ ઈન્ડિયાનું નામ સામેલ છે. ટીમ ઈન્ડિયાએ 300-300થી વધુ રન સાથે બે વખત મેચ જીતી છે. ઈંગ્લેન્ડે સાઉથથેમ્પટનમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ 2025માં 342 રનથી જીત હાંસલ કરી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઈંગ્લેન્ડે વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટ (ODI)માં સૌથી મોટી જીત હાંસલ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઈંગ્લેન્ડે આ વર્ષે (2025) સાઉથથેમ્પટનમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ 342 રન સાથે વિજય મેળવ્યો હતો. રનની દ્રષ્ટિએ ODI ક્રિકેટમાં આ સૌથી મોટી જીત છે. ઈંગ્લેન્ડની આ જીત સાથે ટીમ ઈન્ડિયા બીજા ક્રમે પાછળ ખસી છે. તેણે 2023માં તિરુવનંતપુરમમાં શ્રીલંકાની ટીમને 317 રનથી હરાવી આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. જોકે, ટોપ-5માં ભારત બે વખત સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. ટીમ ઈન્ડિયા વનડે મેચમાં 302 રન સાથે આ યાદીમાં પાંચમા ક્રમે પણ છે. તેણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 302 રનથી હરાવી હતી. ભારત એકમાત્ર દેશ છે, જેણે એક વર્ષમાં બે વખત 300થી વધુ રન સાથે જીત હાંસલ કરી હોય. ઓસ્ટ્રેલિયાની ટીમે 309 રન સાથે જીત હાંસલ કરી વનડે ટોપ-5 રેકોર્ડમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ 2023માં દિલ્હીમાં નેધરલેન્ડને હરાવી હતી. જ્યારે ઝિમ્બાબ્વે આ યાદીમાં ચોથા ક્રમે છે. તેણે 2023માં યુએસઈની ટીમને 304 રનથી હરાવી હતી. જે વનડે ક્રિકેટના ઈતિહાસની ચોથી મોટી જીત છે.