અમેરિકામાં ભારતીય યુવકની ગોળી મારી હત્યા, જાહેરમાં પેશાબ કરવા બદલ ટોક્યો હતો

September 08, 2025

અમેરિકામાં ફરી એકવાર ભારતીય અમેરિકન નાગરિક નફરતનો ભોગ બન્યો છે. કેલિફોર્નિયામાં એક ભારતીય અમેરિકન નાગરિક દ્વારા અમેરિકન નાગરિકને ટોકવામાં આવતાં તેણે ગુસ્સે થઈને ત્યાંજ ગોળી મારી દીધી હતી. જેના કારણે ભારતીય યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. હકીકતમાં, હરિયાણાના જીંદ જિલ્લાના 26 વર્ષીય કપિલએ શનિવારે કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં એક અમેરિકન વ્યક્તિને જાહેર સ્થળે પેશાબ કરતા રોક્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને તરત જ કપિલને ગોળી મારી દીધી. કપિલ ત્યાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો. કપિલ 2022 માં ડંકી રુટ દ્વારા અમેરિકા ગયો હતો. ત્યારે તે પનામાના જંગલો પાર કરીને મેક્સિકોની દિવાલ કૂદીને અમેરિકા પહોંચ્યો હતો. તેના માટે તેણે 45 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. જોકે, અમેરિકા પહોંચ્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં કાનૂની કાર્યવાહી બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો અને ત્યારથી તે ત્યાં રહેતો હતો. તે સિક્યૂરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. કપિલ જીંદના બારાહ કલાન ગામનો રહેવાસી હતો. આ અંગે ગામના સરપંચ સુરેશ કુમાર ગૌતમે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કપિલ જ્યારે ત્યા ફરજ બજાવી રહ્યો હતો, તે દરમિયાન એક અમેરિકન વ્યક્તિ ત્યા પહોંચ્યો અને જ્યા કપિલ ઉભો હતો તેની બાજુમાં પેશાબ કરવા લાગ્યો હતો. જેથી કપિલે તેને આવુ કરવાથી રોક્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને કપિલને ગોળી મારી દીધી, જ્યા ઘટના સ્થળ પર કપિલનું મોત નિપજ્યું હતું.