સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ સહિત બે હાઇવે બંધ કરાયા, અનેક ગામોમાં બેટમાં ફેરવાયા

September 08, 2025

Flood in Dholka-Kheda: રાજ્યભર સહિત ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને નદીઓમાં પાણીના વધેલા સ્તરને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતા ધોળકા અને ખેડા તાલુકાઓમાં સ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાં ખાસકરીને ધોળકાથી સરખેજ તરફ જતો હાઇવે બંધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ખેડાથી ધોળકા જતો હાઇવે બંધ કરવામાં આવતા વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. 

ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી છે. ઉપરવાસમાં વરસાદના લીધે સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતા ધોળકાના આંબલીયારા, કોદાળીયાપરા, ખાત્રીપુર, વૌઠા, સાથળ, સહીજ, ગિરદ, બદરખા, અને ભાત સહિતના અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે.

સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.  જેના કારણે ધોળકાથી સરખેજ જતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ખેડા શહેરને સૌરાષ્ટ્ર સાથે જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે પણ વરસાદી પાણી ફરી વળતા બંધ થઈ ગયો છે. આ ઉપરાંત, ખેડા-ધોળકા રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.