એક્સિડન્ટ બાદ મોતની અફવા મુદ્દે કાજલ અગ્રવાલની સ્પષ્ટતા, કહ્યું- હું સુરક્ષિત છું

September 09, 2025

સેલિબ્રિટીઝ વિશે ઘણીવાર અફવાઓ ફેલાતી હોય છે. તાજેતરમાં, આવી જ એક અફવા અભિનેત્રી કાજલ અગ્રવાલ વિશે પણ ઊડી હતી. આ અફવાઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેનું એક રોડ એક્સિડન્ટમાં ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું છે. આ ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યા હતા. ત્યારે આ અફવાઓ પર ખુદ કાજલ અગ્રવાલે પ્રતિક્રિયા આપી અને તેને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી. સોમવારે કાજલ અગ્રવાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરીને આ અફવાઓને ખતમ કરી. તેણે પોતાના ફેન્સ અને શુભેચ્છકોને ભરોસો આપ્યો કે તે એકદમ સુરક્ષિત અને સ્વસ્થ છે. કાજલે કહ્યું કે, મારા ગંભીર એક્સિડન્ટના સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે.' તેમજ લોકોને અપીલ કરી કે આવા ખોટા સમાચાર પણ ધ્યાન ન આપે.  કાજલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ અંગે જાણકારી આપતા લખ્યું કે, 'મેં કેટલાક ખોટા સમાચાર જોયા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મારું એક્સિડન્ટ થયું છે અને હું હવે આ દુનિયામાં નથી… સાચું કહું તો આ બધી વાતો સાંભળીને હસવું આવે છે, કારણ કે આ બધું તદ્દન ખોટું છે.' અભિનેત્રીએ આગળ કહ્યું કે, 'ઈશ્વરની કૃપાથી હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું અને સુરક્ષિત છું. હું તમારા બધાને વિનંતી કરું છું કે આવા ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરો અને ન તો તેને આગળ ફેલાવો. આપણી ઊર્જા સકારાત્મકતા અને સચ્ચાઈ પર કેન્દ્રિત કરીએ.' કાજલ અગ્રવાલના કામ વિશે વાત કરીએ તો, તે છેલ્લે વિષ્ણુ માંચુની ફિલ્મ 'કન્નપ્પા'માં જોવા મળી હતી. આ ઉપરાંત, આ જ વર્ષે તે સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર'માં પણ જોવા મળી હતી. જોકે, આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી શકી નથી. હવે કાજલ કમલ હાસનની 'ઇન્ડિયન 3'માં જોવા મળશે. તેમજ નીતિશ તિવારીની પૌરાણિક મહાકાવ્ય પર આધારિત ફિલ્મ 'રામાયણ'માં પણ દેખાશે એવી ચર્ચા છે. એવું કહેવાય છે કે તે ફિલ્મમાં રાવણની પત્ની મંદોદરીની ભૂમિકા ભજવશે.