સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ

September 09, 2025

સિયાચેન : દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર ગણાતા સિયાચેન ગ્લેશિયરમાં હિમસ્ખલન થતાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે. -60 ડિગ્રી તાપમાન, ભારે પવન અને બર્ફીલા તોફાનો વચ્ચે ફરજ બજાવતા સૈનિકો માટે આ વિસ્તાર જીવલેણ સાબિત થઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સિયાચેનમાં સેનાની એક પોસ્ટ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગઈ, જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં જ સેનાની બચાવ ટીમોએ રાહત કાર્ય શરૂ કરી દીધું છે. લેહ અને ઉધમપુરથી વધારાની મદદ પણ મગાવવામાં આવી છે.

મહત્વનું છે કે સિયાચેનમાં શિયાળા દરમિયાન હિમસ્ખલન સામાન્ય છે. કારાકોરમ પર્વતમાળામાં 20,000 ફૂટની ઊંચાઈ પર આવેલા સિયાચેન ગ્લેશિયરમાં હિમસ્ખલનની ઘટના મચમચાવી દે તેવી છે. આ દુર્ઘટના ઉત્તરી ગ્લેશિયર ક્ષેત્રમાં બની, જ્યાં ઊંચાઈ 18,000 થી 20,000 ફૂટ છે. આ દુર્ગમ વિસ્તારમાં સૈનિકોએ ફક્ત દુશ્મનો સામે જ નહીં, પરંતુ પ્રકૃતિના કહેર સામે પણ લડવું પડે છે.

ઉલ્લેખનીય છે કે 1984માં શરૂ થયેલા ઓપરેશન મેઘદૂત બાદથી ભારતે સિયાચેન પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે. જોકે, ખરાબ હવામાનને કારણે અત્યાર સુધીમાં 1,000થી વધુ ભારતીય જવાનો શહીદ થઈ ચૂક્યા છે, જે આ વિસ્તારની ભયાનકતા દર્શાવે છે.