જમ્મુ કાશ્મીરના કુલગામમાં અથડામણ, 2 આતંકવાદીને કરાયા ઠાર, 2 જવાન શહીદ

September 09, 2025

જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર રહમાન ભાઈને ઠાર કરી દીધો છે. આ દરમિયાન અથડામણમાં અન્ય એક આતંકીને પણ ઠાર કરવામાં આવ્યો છે. જો કે આ ઓપરેશનમાં ભારતીય સેનાના બે બહાદુર જવાન શહીદ થયા છે.

આ અથડામણમાં શહીદ થયેલા સેનાના જવાનોના નામ પ્રભાત ગૌર અને લાન્સ નાયક નરેન્દ્ર સિંધુ છે. ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બંને શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમની વીરતા અને સમર્પણ હંમેશા દેશવાસીઓને પ્રેરિત કરશે. સેનાએ વધુમાં કહ્યું કે તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. આ અથડામણ ઓપરેશન ગુડ્ડર વિસ્તારમાં શરૂ થયું હતું. જ્યાં ગુપ્ત જાણકારીના આધાર પર આતંકીઓની હાજરી હોવાની જાણકારી મળી હતી.

સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો અને ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું અને જવાબી કાર્યવાહી કરતા બંને આતંકીઓને સેનાએ ઠાર કર્યા. તમને જણાવી દઈએ કે આતંકી રહમાન ભાઈ લાંબા સમયથી સુરક્ષાદળોના નિશાના પર હતો અને ઘણી આતંકી ગતિવિધિઓને અંઝામ આપવામાં સામેલ હતો.

સેનાના અધિકારીઓ મુજબ ઓપરેશન હજુ પણ ચાલુ છે, કારણ કે વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ મોટી સફળતાથી ઘાટીમાં લશ્કર-એ-તૈયબાને મોટો ઝટકો લાગ્યો છે.