પંજાબમાં પૂરથી અત્યાર સુધી 52ના મોત, 1,91,926 હેક્ટરમાં પાક ધોવાયો

September 10, 2025

છેલ્લા 24 કલાકમાં વધુ એક વ્યક્તિના મોત બાદ પંજાબમાં આવેલા વિનાશક પૂરને કારણે કુલ મૃત્યુઆંક 52 પર પહોંચી ગયો છે. પંજાબના મહેસૂલ મંત્રી હરદીપ સિંહ મુંડિયનએ જણાવ્યું હતું કે હાલમાં 22 જિલ્લાઓના 2,097 ગામો પૂરથી પ્રભાવિત છે અને 1.91 લાખ હેક્ટર જમીનમાં ફેલાયેલા પાકને નુકસાન થયું છે. એક દિવસ પહેલા આ આંકડો લગભગ 1.84 લાખ હેક્ટર હતો. તેમણે કહ્યું કે 9 સપ્ટેમ્બર સુધીમાં 22 જિલ્લાઓમાં કૂલ 2,097 ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે.

મંગળવારે લુધિયાણામાં પૂરને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. જેના પછી 15 પૂરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ મૃત્યુઆંક 52 થયો હતો પઠાણકોટમાં હજુ પણ ત્રણ લોકો ગુમ છે. બચાવ કામગીરી અંગે મહેસૂલ મંત્રી હરદીપ સિંહ મુંડિયનએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 191 વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 23,206 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં 119 રાહત શિબિરો છે. જેમાં 5,521 લોકોએ આશ્રય લીધો છે.