'ભારત-ચીન સામે 100% ટેરિફ ઝીંકો...' ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ, EUના નેતાઓને ભડકાવ્યાં

September 10, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન અને ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યા હોય તેવું દેખાય છે. અમેરિકાના અધિકારીઓ અને યુરોપિયન યુનિયનના વ્યૂહનીતિકારોના અહેવાલ અનુસાર ટ્રમ્પે EUને કહ્યું છે કે ભારત સામે 100% ટેરિફ લગાવી દો. 

આ મામલે જાણકારના સૂત્રોનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઈયુના અધિકારીઓને આ ભલામણ કરતાં કહ્યું હતું કે જો ભારત અને ચીન સામે 100% ટેરિફ ઝીંકશો તો જ રશિયા પર દબાણ વધશે અને તેનાથી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પતી જશે.  આ મામલે ટ્રમ્પનું માનવું છે કે ચીન અને ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા સૌથી મોટા ગ્રાહકો છે. તેમના પૈસાથી જ રશિયાનું અર્થતંત્ર મજબૂત થઇ રહ્યું છે. આ જ કારણ છે કે 2022 થી રશિયા સતત યુક્રેન સામેના યુદ્ધમાં લીડ મેળવી રહ્યું છે. 

કહેવાય છે કે ટ્રમ્પે કોન્ફરન્સ કોલના માધ્યમથી EUના અધિકારીઓને આ અપીલ કરી હતી. ઈયુનું એક પ્રતિનિધિમંડળ હાલમાં વોશિંગ્ટનમાં છે અને તેમની સાથે ટ્રમ્પે પ્રતિબંધો વિશે વાતચીત પણ કરી હોવાની ચર્ચા છે. ઈયુના અધિકારીઓ કહે છે કે જો ઈયુ ભારત અને ચીન સામે 100 ટકા ટેરિફ ઝીંકશે તો અમેરિકા પણ બંને દેશો સામે 100% ટેરિફ ઝીંકી દેશે.