વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું

September 11, 2025

હમાસના ટોપ અધિકારી દોહામાં અમેરિકાના સમર્થન આધારિત યુદ્ધ વિરામ કરાર પર વાત કરવા તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઈઝરાયલની સેનાએ કતારની રાજધાની દોહામાં હુમલો કરતાં અફરાતફરી સર્જાઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કતારના અમીર તમીમ બિન હમદ અલ-થાની સાથે ટેલિફોનિક વાત કરી દોહામાં થયેલા હુમલા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઈઝરાયલના આ હુમલાને સાર્વભૌમત્વનું "ઉલ્લંઘન" ગણાવી વિવાદોના ઉકેલ માટે વાતચીત કરવા હાંકલ કરી હતી.

વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી કે, 'કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ-થાની સાથે વાત કરી દોહામાં થયેલા હુમલાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. ભારત કતારના સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરે છે. ભારતના સુસંગત વલણનું પુનરાવર્તિત કરતા અમે સંવાદ અને રાજદ્વારી દ્વારા વિવાદોનો ઉકેલ લાવવા હાંકલ કરીએ છીએ. વિવાદોને વધતા અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, અમે વાતચીત અને કૂટનીતિ મારફત મુદ્દાઓનું સમાધાન કરવા અને વધતો તણાવ અટકાવવાનું સમર્થન કરીએ છીએ. ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે તમામ રૂપ અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ વિરૂદ્ધ દ્રઢતાથી ઉભા છીએ.