સરકાર દ્વારા નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા માટે પ્રયાસ ચાલુ છે : ઋષિકેશ પટેલ

September 10, 2025

નેપાળમાં ફાટી નીકળેલી હિંસાને લઈ દેશભરના ઘણા પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે, ગુજરાતના પણ ઘણા પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે, તેને લઈ સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, વહીવટીતંત્ર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને કેન્દ્ર સરકારના પણ પ્રવાસીઓને પરત લાવવા પ્રયાસ ચાલુ છે, પ્રવાસીને તકલીફ ન પડે તેના માટે સતત ચિંતાશીલ છે.

ભાવનગરના નારીગામથી શ્રદ્ધાળુઓ નેપાળ ગયા હતા અને 43 લોકો નેપાળમાં ફસાયા હોવાની વાત સામે આવી છે, હાલમાં તમામ લોકો હોટલમાં સુરક્ષિક છે, MLA જીતુ વાઘાણીએ ફસાયેલા લોકો સાથ વાત કરી છે અને લોકોને સુરક્ષિત જગ્યા પર રહેવા જણાવ્યું છે, તો તંત્રએ ઝડપથી મુશ્કેલીમાંથી બહાર લાવવાની ખાતરી આપી છે.

નેપાળની પરિસ્થિતિ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, "અમે ગઈકાલથી નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને ઘણા યુવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખી છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના મૃતકોના પરિવારો સાથે છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરીએ છીએ." તે જ સમયે, ભારતે આશા વ્યક્ત કરી છે કે નેપાળમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જશે. આ ઉપરાંત નેપાળમાં ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને નેપાળી અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા પગલાં અને માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.