UAEમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રોફી? પાકિસ્તાનમાં સ્ટેડિયમ તૈયાર ન થતાં લેવાઈ શકે છે નિર્ણય!

January 08, 2025

આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવાઈ શકે છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, હજુ સુધી પાકિસ્તાનના 3 સ્ટેડિયમનું કામ પૂરું થયું નથી. આ સ્ટેડિયમોનું નિર્માણ કામ હજુ પણ ચાલુ જ છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનના 3 સ્ટેડિયમનું નિર્માણ કાર્ય ઓગસ્ટ 2024 માં શરૂ થયું હતું અને તે 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાનું હતું. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન સરકાર અને PCB (Pakistan Cricket Board) ના ગેરવહીવટના કારણે આ સ્થિતિ ઊભી થઇ છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આ ખરાબ વ્યવસ્થાઓનો ભોગ બનવું પડી શકે છે. તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની ગુમાવવી પડી શકે છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં માત્ર હવે 35 દિવસ જ બાકી છે. આ સંજોગોમાં કહેવાઈ રહ્યું છે કે જો ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવાઈ જશે તો સંયુક્ત આરબ અમીરાત (UAE)ને તેની યજમાની કરવાની તક મળી શકે છે. જો કે, આ પહેલા ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ સંજોગોમાં સ્ટેડિયમના અધૂરા કામો 25 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાના રહેશે. 

આ પછી ICCના અધિકારીઓ આ સ્ટેડિયમોની સમીક્ષા કરશે. ત્યારપછી તે પોતાના રિપોર્ટમાં જણાવશે કે સ્ટેડિયમ ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે તૈયાર છે કે નહીં. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમની ક્ષમતા 35 હજાર દર્શકોની છે. PCBના જણાવ્યા અનુસાર આ સ્ટેડિયમ જાન્યુઆરીના અંતિમ સપ્તાહ સુધીમાં તૈયાર થઈ જશે. અહીં તમને જણાવી દઈએ કે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. જેની પહેલી મેચમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે. જયારે ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22 ફેબ્રુઆરીના રોજ મેચ રમાશે.