બાલાસોર ટ્રેન દુર્ઘટના અંગે કોંગ્રેસ અધ્યક્ષનો PM મોદીને પત્ર, 9 વર્ષથી રેલવેમાં 3 લાખ પદો ખાલી કેમ?

June 05, 2023

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ ઓડિશાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત મામલે સવાલો ઊઠાવતાં વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે રેલવે વિભાગ અને મોદી સરકારના શાસન સામે પણ સવાલો ઊઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે છેલ્લા 9 વર્ષથી રેલવેમાં 3 લાખ પદો પર ભરતી કેમ નથી કરાઈ? 

ચાર પાનાના પત્રમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ અનેક સવાલો ઊઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકાર દ્વારા સતત ખામીયુક્ત અને ઉતાવળીયા નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેના લીધે રેલવેમાં મુસાફરી અસુરક્ષિત બની ગઈ છે. તેના લીધે જ ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રેલવેમંત્રી તેમની ભૂલ સ્વીકારવા તૈયાર જ નથી : ખડગે

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવને પણ આડેહાથ લેતાં મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું હતું કે રેલવેમંત્રી તેમની ભૂલ સ્વીકારવા તૈયાર જ નથી. તેમણે પૂછ્યું કે તો પછી શા માટે સીબીઆઈની તપાસના આદેશની વાત કહેવામાં આવી. સીબીઆઈ આવે એનો મતલબ તો એ જ થયો કે અહીં કોઈ ગુનો થયો છે એટલે કે આ કોઈ રેલવેની દુર્ઘટના નથી.

સીબીઆઈ હોય કે પછી કોઈ અન્ય કાયદાનું અમલ કરતી એજન્સી એ ટેક્નિકલ, સંસ્થાકીય કે રાજકીય સમસ્યાનો ઉકેલ લાવી ના શકે. રેલવેની સુરક્ષામાં પણ અનેક ટેક્નિકલ નિષ્ણાતો, સિગ્નલિંગ અને મેઈન્ટેનન્સની અછત વર્તાઈ રહી છે. બાલાસોર ટ્રેન દુર્ઘટનાને ઈતિહાસની સૌથી ખરાબ દુર્ઘટના ગણાવતાં ખડગેએ કહ્યું કે રેલવેને વધુ આધુનિક, એડવાન્સ અને અસરદાર બનાવવાની જગ્યાએ તેની સાથે સાવકી માતા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.