મુંબઇમાં વધ્યો કોરોના ! 53 દર્દીઓ પોઝિટીવ, તંત્ર એલર્ટ

May 20, 2025

મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસના વધતા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જોકે, એક પણ કોરોના ચેપગ્રસ્ત દર્દીનું મૃત્યુ થયું નથી. પરંતુ, મ્યુનિસિપલ વિસ્તારની હોસ્પિટલો એલર્ટ મોડમાં છે. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે. ઉપરાંત, વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

મુંબઇ મહાનગર પાલિકાએ હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાસ બેડ અને રૂમની વ્યવસ્થા કરી છે. બૃહન્મુંબઇ નગર નિગમનું સ્વાસ્થ્ય વિભાગ કોવિડ-19ના પ્રસાર પર નિયંત્રણ રાખવા માટે સતત દેખરેખ રાખી રહ્યું છે. જાન્યુઆરી 2025થી એપ્રિલ 2025 સુધી કોવિડના દર્દીઓની સંખ્યા ઘણી ઓછી જોવા મળી છે. જો કે મે મહિનાથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જો કે તંત્ર નાગરિકોને ગભરાવવાની નહી પરંતુ સાવચેતી રાખવાની અપીલ કરે છે.

અધિકારીઓના મતે મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારની હોસ્પિટલોમાં વધુ સારી સારવાર અને માર્ગદર્શન સુવિધાઓ ઉપલબ્ધ છે. સેવન હિલ્સ હોસ્પિટલમાં 20 બેડ (MICU), બાળરોગ અને ગર્ભવતી મહિલાઓ માટે 20 બેડ અને 60 સામાન્ય બેડ છે. આ ઉપરાંત કસ્તુરબા હોસ્પિટલમાં 2 ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) બેડ અને 10 બેડનો વોર્ડ છે. જો જરૂરી હોય તો આ ક્ષમતા તાત્કાલિક વધારવામાં આવશે.