એરટેલે સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં સ્ટારલિંક હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરાવશે

March 12, 2025

ભારતી એરટેલે ભારતમાં સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા લાવવા માટે એલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે કરાર કર્યો છે. જોકે આ સોદો ભારતમાં સ્ટારલિંક સેવાઓ વેચવા માટે સ્પેસએક્સને મંજૂરી મળે તેના પર નિર્ભર રહેશે. એરટેલના મેનેજિંગ ડિરેક્ટર અને વાઈસ ચેરમેને જણાવ્યું કે "ભારતમાં એરટેલ ગ્રાહકોને સ્ટારલિંક સેવાઓ પહોંચાડવા માટે સ્પેસએક્સ સાથે કામ કરવું એ અમારા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

આ ભાગીદારી ભારતના સૌથી દૂરના વિસ્તારોમાં વિશ્વ કક્ષાના હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સ્ટારલિંક દ્વારા અમે અમારા ગ્રાહકોને વિશ્વસનીય અને સસ્તું ઈન્ટરનેટ સેવા પ્રદાન કરી શકીશું." સ્પેસએક્સના પ્રમુખે જણાવ્યું કે અમે એરટેલ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. સ્ટારલિંક ભારતીય લોકો, વ્યવસાયો અને સમુદાયોને જોડીને ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. અમને એ જોવાનું ગમે છે કે જ્યારે લોકો સ્ટારલિંક દ્વારા જોડાય છે ત્યારે તેઓ કઈ અદ્ભુત અને પ્રેરણાદાયી વસ્તુઓ કરી શકે છે.

આ ભાગીદારીનો શું ફાયદો થશે?

  • ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટે એરટેલ અને સ્પેસએક્સ સાથે મળીને કામ કરશે. બંને કંપનીઓ ભારતીય બજારમાં સ્ટારલિંક સેવાઓ લાવવા અને વિવિધ ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કરવાની શક્યતાઓ શોધશે.
  • એરટેલ તેના સ્ટોર્સમાં સ્ટારલિંક સાધનો વેચી શકે છે અને સ્ટારલિંક ફોર બિઝનેસ સર્વિસીસ (B2B) ઓફર કરી શકે છે.
  • સ્ટારલિંકનો ઉપયોગ ગ્રામીણ શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને દૂરના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવશે.
  • એરટેલ અને સ્પેસએક્સ સ્ટારલિંકને એરટેલની હાલની નેટવર્ક સેવાઓમાં કેવી રીતે સંકલિત કરી શકાય તે અંગે પણ સાથે મળીને કામ કરશે.
  • એરટેલ પહેલાથી જ યુટેલસેટ વનવેબ સાથે કામ કરી રહ્યું છે.
  • એરટેલ પહેલાથી જ યુટેલસેટ વનવેબ દ્વારા સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાઓ પ્રોવાઈડ કરે છે. હવે સ્ટારલિંકના જોડાવવાથી એરટેલ એવા વિસ્તારોમાં ઈન્ટરનેટ પ્રદાન કરી શકશે, જ્યાં હાલના નેટવર્ક પહોંચી શકતા નથી. આનાથી દૂરના વિસ્તારોમાં રહેતા લોકો અને વ્યવસાયોને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ ઉપલબ્ધ થશે.